Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ગુજરાત - એમપી - રાજસ્થાનમાં બેફામ-બેરોકટોક ખનન પ્રવૃત્તિ

મધ્યપ્રદેશમાં ૧૦૬ ટકા - ગુજરાતમાં ૫૩ અને રાજસ્થાનમાં ૩૪ ટકા ગેરકાનૂની ખાણ ખોદકામમાં ચોંકાવનારો વધારો

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્ર સરકારના જ આંકડાઓ પ્રમાણે ભાજપ સરકારના કાર્યકાળમાં ભાજપ શાસિત ત્રણ મોટા રાજયોમાં ગેરકાયદે ખનનની ઘટનાઓમાં ૧૦૦ ટકા સુધીનો વધારો થયો છે. કેન્દ્રીય ખનન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ પ્રમાણે, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ગેરકાયદે માઈનિંગની ઘટનાઓમાં ક્રમશઃ ૧૦૬, ૫૩ અને ૩૪ ટકા વધારો થયો છે.

દેશમાં માઈનિંગ માટે મુખ્ય ૧૦ રાજયોની યાદીમાં ટોચ પર રહેનારા આ ત્રણ રાજયોમાં ગેરકાયદે ખનનનો આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪થી લઈને ૨૦૧૬-૧૭ સુધીનો છે. આંકડાઓ પ્રમાણે, ૨૦૧૩-૧૪ દરમિયાન મધ્યપ્રદેશમાં ગેરકાયદે ખનનના ૬૭૨૫ કેસો પકડાયા હતા. જયારે ૨૦૧૬-૧૭ દરમિયાન કુલ ૧૩૮૮૦ કેસો નોંધાયા હતા.

ભાજપ શાસિત ગુજરાતમાં જયાં ૨૦૧૩-૧૪ દરમિયાન ૫૪૪૭ ગેરકાયદે ખનનની ઘટનાઓ સામે આવી ત્યારે ૨૦૧૬-૧૭માં એ આંકડો વધીને ૮૩૨૫ સુધી પહોંચી ગયો હતો. ત્રીજા ક્રમે ભાજપ શાસિત રાજસ્થાન છે જયાં ૨૦૧૩-૧૪માં ૨૯૫૩ કેસો વધી ૨૦૧૬-૧૭માં ૩૯૪૫ કેસો થઈ ગયા હતા. જો કે માઈનિંગના ક્ષેત્રમાં કેટલાક રાજયોનાં આંકડા સુધર્યા પણ છે. માઈનિંગના મુખ્ય રાજયોમાં સામેલ ઝારખંડે ગેરકાયદે ખનનના કેસોમાં લગભગ ૨૩ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. જયારે તામિલનાડુમાં ગત ચાર વર્ષમાં ગેરકાયદે ખનનના મામલે મોટો ઘટાડો નોંધાયો છે. જયાં ચાર વર્ષ પ્રથમ તામિલનાડુમાં ૧૦૭૮ ગેરકાયદે ખનનની ઘટનાઓ સામે આવી હતી જયારે ૨૦૧૬-૧૭ દરમિયાન રાજયમાં માત્ર ૫૬ કેસો જ સામે આવ્યા હતા.

કેન્દ્રીય ખનન મંત્રાલયના આ રિપોર્ટમાં સામેલ મુખ્ય રાજયોમાં આ રાજયો ઉપરાંત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગણા પણ સામેલ છે. આ ચાર વર્ષ દરમિયાન તામિલનાડુમાં ગેરકાયદે ખનના કુલ ૧૦૭૩૪ કેસોમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસોથી રાજયને ૧૨૨.૮૫ કરોડ રૂપિયાની કમાણી દંડ તરીકે પ્રાપ્ત થઈ છે. એ રીતે મધ્યપ્રદેશે આ દરમિયાન આવા કેસોમાંથી દંડ તરીકે લગભગ ૧૧૩૨ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

આમ, ગેરકાયદે ખનનના કેસોમાં ટોચ પર રહેવાની સાથે મધ્યપ્રદેશે ગેરકાયદે ખનનના કેસોમાં ટોચ પર રહેવાની સાથે મધ્યપ્રદેશે ગેરકાયદે ખનનમાંથી દંડ મેળવવાની યાદીમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ પ્રમાણે, ગત ચાર વર્ષમાં આંધ્રપ્રદેશ, છત્ત્।ીસગઢ, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રે ક્રમશઃ ૧૪૩ કરોડ, ૩૩ કરોડ, ૧૫૭ કરોડ, ૧૧૨ કરોડ અને ૨૮૨ કરોડ રૂપિયા દંડ તરીકે પ્રાપ્ત કર્યા છે.(૨૧.૬)

(10:09 am IST)