Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાજકીય પક્ષના દોષિત જાહેર થયેલા નેતાને પક્ષના પ્રમુખ બનતા સુપ્રીમ કોર્ટ રોકી ના શકે

સુપ્રીમના ચુકાદા પહેલા કેન્દ્રનો ચુકાદો

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના ચુકાદા પૂર્વે જ પોતાનો અભિપ્રાય રજૂ કરી દીધો છે. કોઈપણ રાજકીય પક્ષમાં દોષિત જાહેર કરી દેવાયેલ નેતાને પક્ષનું સર્વોચ્ચ પદ અપાય કે નહીં તે માટે સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાય જાહેર હિતની અરજી દાખલ કરી છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા પૂર્વે જ આ મામલામાં કેન્દ્ર સરકાર પોતાનો અભિપ્રાય પ્રદર્શિત કરી ચૂકી છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે હાલના કાયદામાં સુધારા માટે કોર્ટ તરફથી સરકારને ફરજ પાડી શકાય નહીં. કેન્દ્રનું એવું પણ કહેવું છે કે ચૂંટણી પંચ પાસે એવી કોઈ શકિત નથી કે તે કોઈ એવા પક્ષનું રજીસ્ટ્રેશન રદ્દ કરી દે જેમના અધ્યક્ષ અદાલતમાં દોષિત સાબિત થઈ ચુકેલા રાજનેતા હોય. સુપ્રીમ કોર્ટ આ પહેલાં જ કહી ચૂકેલ છે કે કોઈ અપરાધી અથવા તો ભ્રષ્ટ વ્યકિતને કોઇપણ રાજકીય પક્ષની આગેવાની કરવા દેવું એ લોકશાહીના મૂળભૂત સિદ્ઘાંતની વિરુધ્ધ છે, કારણકે આવા જ લોકો પાસે ચૂંટણી માટેના ઉમેદવાર નક્કી કરવાની તાકાત હોય છે.

આ પહેલા કોર્ટે પોતાની ટિપ્પણીમાં આ વાત કહી હતી કે અદાલત દ્વારા દોષિત જાહેર કરી દેવાયેલા લોકો તરફથી રાજકીય પક્ષોના રચવા ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ. જેનાથી તામિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની સહયોગી રહી ચુકેલ શશીકલા જેવા નેતાઓ ઉપર અસર પડશે.

કેન્દ્ર સરકારે એવી દલીલ પણ કરી હતી કે ચૂંટણી સુધારા કરવા એ એક લાંબી પ્રક્રિયા છે. સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સુધારા લાવતા પહેલા વિધિ પંચની ભલામણો જરૂરી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોમાં હોદેદારોને ચૂંટણી કરવા માટેની આઝાદી છે. ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ આવા આરોપી લોકોને કોઇ પણ પક્ષમાં ટોચના પદ આપવા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

અત્રે યાદ રહે કે કોંગ્રેસે પોતાના મહાઅધિવેશનમાં પણ ભાજપના એક ટોચના નેતાનું નામ લઇને આવા પ્રશ્નો ઉભા કર્યા હતા.(૨૧.૪)

(10:08 am IST)