Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અમેરિકન ટાવર કોર્પ કંપનીઅે ટાટા ટેલિસર્વિસિસની રૂૂ.૨૦૦૦ કરોડ જેટલી દંડની રકમ માંડવાળ કરવાની વિનંતી ફગાવી દીધી

કોલકાતા/મુંબઈ: અમેરિકન ટાવર કોર્પ (ATC)અે ટાટા ટેલિસર્વિસિસને કરેલ રૂૂ.૨૦૦૦ કરોડ જેટલી દંડની રકમ માંડવાળ કરી દેવાની વિનંતી ફગાવી દીધી છે.

અમેરિકન ટાવર કોર્પ (ATC)ને ટાટા ટેલિસર્વિસિસે રૂૂ.2,000 કરોડ જેટલી દંડની રકમ માંડવાળ કરવાની વિનંતી કરી હતી, પણ ATCએ તેને ફગાવી દેતાં ભારતી એરટેલ દ્વારા ટાટા ગ્રૂપના વાયરલેસ બિઝનેસને ખરીદવાનો સોદો વિલંબમાં મુકાવાની શક્યતા છે.

ટાટા ટેલિએ અમેરિકાની ટાવર કંપની સાથે લાંબા ગાળાનો (છેક 2025 સુધીનો) ભાડાકરાર કર્યો હતો પરંતુ એરટેલ સાથે સોદા માટે આ કરાર પૂરો થઈ જવાથી તેણે દંડ પેટે રૂૂ.7,000 કરોડ જેટલી જંગી રકમ ચૂકવવાની થાય છે. ટાટા આમાંથી, રૂૂ.5,000 કરોડની રકમ વાયોમ નેટવર્ક્સના ૨૬ ટકા હિસ્સા દ્વારા ભરપાઈ કરવા તૈયાર છે પરંતુ બાકીના રૂૂ.2,000 કરોડ માંડવાળ કરાવવા માંગે છે જ્યારે ATC આ હિસ્સો અને રૂૂ.2,000 કરોડ એમ બંનેની માંગણી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ટાટા ટેલિએ તેનો વાયરલેસ બિઝનેસ સુનિલ મિત્તલની ભારતી એરટેલને વેચવાનો નિર્ણય લીધા બાદ ATC ઇન્ડિયા પાસેથી લીધેલા 30,000 જેટલા ટાવરનો કરાર વહેલો રદ કર્યો હતો.

ટાટા ટેલિ વાયોમ નેટવર્ક્સમાંનો પોતાનો ૨૬ ટકા હિસ્સો ATCને આપી દેવા માટે તેને સમજાવવાના પ્રયાસો કરી રહી હોય તેવું માનવામાં આવે છે. 26 ટકા હિસ્સાનું મૂલ્ય રૂૂ.5,000 કરોડ થાય છે અને ટાટા ટેલિ બાકીના રૂૂ.2,000 કરોડ જતા કરવા માટે ATCને વિનંતી કરી રહી છે.

જોકે, ATC26 ટકા હિસ્સો અને રૂૂ.2,000 કરોડ એમ બંનેની માંગણી કરી છે એમ બે જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. વાયોમના હિસ્સાના મૂલ્યાંકન અંગે મતભેદ છે. વાયોમનો અંકુશાત્મક હિસ્સો ATC પાસે છે અને તેણે 26 ટકા હિસ્સાનું મૂલ્ય રૂૂ.4,000 કરોડ આંક્યું છે, એનો મતલબ એ થયો કે, ટાટા ટેલિએ બીજા રૂૂ.2,000 કરોડ નહીં પરંતુ રૂૂ.3,000 કરોડ ચૂકવવા પડે.

એક પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે, ટાટા જૂની ગ્રાહક હોવાથી ATC તેની સાથે મિત્રતાપૂર્વક સમાધાન કરવા માંગે છે, પણ તે વળતરની બાબતમાં બાંધછોડ કરે તેવી શક્યતા નથી કારણ કે, ટાટા ટેલિ સાથે થયેલા કરાર લાંબા ગાળાના માસ્ટર સર્વિસ એગ્રીમેન્ટ (MSA) હેઠળ થયા હતા, જે વર્ષ ૨૦૨૫ સુધી માન્ય છે અને તેમાં પાંચથી સાત વર્ષનો તો લોક-ઈન પિરિયડ હોય છે.

જો બંને પાર્ટી વચ્ચે આ મંત્રણા લાંબા સમય સુધી ચાલશે તો ટાટા ટેલિને તેનો વાયરલેસ બિઝનેસ એરટેલને વેચવાના સોદામાં પણ વિલંબ થશે. સંપર્ક સાધવામાં આવતાં ભારતી ગ્રૂપના પ્રવક્તાએ ઇ-મેઇલ દ્વારા જણાવ્યું હતું કે, સોદામાં સારી એવી પ્રગતિ થઈ રહી છે. અમે સેબીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. જોકે, ATC અને ટાટા ગ્રૂપ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહોતી.

ઉલ્લેખનીય છે કે, ATCએ કોલકાતા સ્થિત શ્રેઇ ગ્રૂપ અને ટાટા ટેલિ પાસેથી એપ્રિલ 2017માં વાયોમમાં 51 ટકા હિસ્સો રૂૂ.7,600 કરોડમાં ખરીદ્યો હતો. વાયોમના 42,000 ટેલિકોમ ટાવરને પોતાની સાથે ભેળવી દીધા બાદ ATCએ આ સાહસમાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને 26 ટકા હિસ્સો ટાટા પાસે રહ્યો હતો અને બાકીનો હિસ્સો IDFC તથા મેક્વાયર પાસે છે. તાજેતરમાં વાયોમનું નામ બદલીને ATC ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવામાં આવ્યું હતું.

(7:10 pm IST)