Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુક વિવાદોમાં ફસાઇઃ પાંચ કરોડ યુઝર્સની અંગત માહિતી લીક કરાઇ

નવી દિલ્હી: સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવતી ફેસબુક હવે વિવાદોમાં ઘેરાઇ છે. તેના પર પાંચ કરોડ યુઝર્સની માહિતી લીક કરાઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જેનો ફાયદો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પ માટે કામ કરી રહેલી ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ ઉઠાવ્યો. આરોપ અનુસાર, ફર્મે વોટર્સના પોતાના મત સાથે ચેડા કરવા ફેસબુક યુઝર્સના ડેટામાં ઘૂસ મારી. આ મામલે એફબીના સ્થાપક ઝુકરબર્ગને બ્રિટનની સંસદે કેટલાક સવાલના જવાબ આપવા હાજર રહેવા કહ્યું છે.

ડેટા લીક કેસમાં સંડોવાયેલી હોવાનું કહેવાય છે તે બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકાની ભારતની અનેક રાજકીય પાર્ટીઓ મદદ લઈ ચુકી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, એનાલિટિકા વિરોધીઓની છબી ખરડવા માટે હનીટ્રેપ અને ઘુસણખોરીનો પણ સહારો લેતી હતી તેવો પણ દાવો કરાયો છે.

કંપનીએ પોતાની વેબસાઈટમાં આપેલી માહિતી અનુસાર, 2010ની વિધાનસભા ચૂંટણીમાં તેને બિહારનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, અને કુલ ટાર્ગટેના 90 ટકા બેઠકો પર તેના ક્લાયન્ટ્સની ભારે જીત થઈ હતી. હવે તો એ વાતની પણ ચર્ચા છે કે, ભારમતાં આ ફર્મ 2019ની સામાન્ય ચૂંટણી માટે પણ રાજકીય દળોના સંપર્કમાં છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી એક કંપનીકેમ્બ્રિજ એનાલિટિકપર લગભગ 5 કરોડ ફેસબુક યૂઝર્સની અંગત જાણકારી ચોરવાનો આરોપ લાગ્યો છે. આ જાણકારીને કથિત રીતે ચૂંટણી દરમિયાન ટ્રમ્પને જીતાડમાં મદદ અને વિરોધીની છબી ખરડવા માટે ઉપયોગમાં લેવાતી હતી.

બ્રિટનના જાણીતા સમાચારપત્ર ગાર્ડિયન દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં અમેરિકાની ચૂંટણીમાં કેમ્બ્રિજ એજાલિટિકાના આ કાળા કરતુતનો ખુલાસો થયો હતો. કંપનીએ 5 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા ગેરકાયદેસર રીતે હાંસલ કર્યાં હતાં અને તેની મદદથી ડૉનાલ્ડ ટ્રમ્પની જીતાડવાનું કામ કર્યું. જોકે આ આરોપોનો કંપનીએ ઈનકાર કરી દીધો છે.

સ્ટિંગમાં કંપનીના ટોચના અધિકારીઓએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે તે પોતાના ક્લાઈંટના વિરોધી ઉમેદવારોની છબી ખરાબ કરવા માટે ઘૂષણખોરી અને હનીટ્રેપની મદદ લે છે. આ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપનીએ અમેરિકા ઉપરાંત ભારત, નાઈજીરિયા, કેન્યા, ચેક રિપબ્લિક અને આર્જેન્ટિના સહિતના અનેક દેશોની 200થી વધારે ચૂંટણીઓ માટે કામ કર્યું છે. આ મામલે ફેસબુકે તપાસ હાથ ધરી છે અને કેમ્બ્રિજ એનાલિટિકાને પોતાના પ્લેટફોર્મ પર આવતા હાલ અટકાવી દીધી છે.

ભારતમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં ભાજપ સૌથી આગળ હતું. કેમ્બ્રિજ એનાલિટિકા પોતે પણ વટ સાથે કહેતી હતી કે, ભારતમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીયૂ જેવી રાજકીય પાર્ટીઓ તેની ક્લાઈંટ છે. એવા પણ અહેવાલો છે કે કોંગ્રેસ 2019ની ચૂંટણી દરમિયાન કેમ્બ્રિજ એનાલિટિકા સાથે કામ કરવા વાતચીત ચલાવી રહી છે.

માનવામાં આવે છે કે, લોકસભાની ચૂંટણી અને ત્યાર બાદ બિહાર અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મોટાપાયે ડેટા એનાલિસિસનો ઉપયોગ કરવામાં આવ્યો. આગામી ચૂંટણીઓમાં પણ રાજકીય પક્ષો આ પ્રકારના ડેટા એનાલિસિસ પર જ નિર્ભર રહેશે. તેવામાં ભારતમાં પણ ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓના ખાનગી ડેટા લીક થવાની ચિંતા વધી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં કેમ્બ્રિજ એનાલિટિકાની પેરેંટ કંપની સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન લેબોરેટરીઝ (SCL) એક સ્થાનિક કંપની ઓવલેનો બિઝનસ ઈન્ટેલિજન્સ (OBI)સાથે મળીને કામ કરે છે. આ કંપનીએ પોતાની વેબસાઈટમાં જણાવ્યું છે કે ભાજપ, કોંગ્રેસ અને જેયૂડી તેના ક્લાયન્ટ છે.

રસપ્રદ વાત એ છે કે, OBIનો માલિક જનતા દળ યુનાઈટેડના નેતા કેસી ત્યાગીનો દીકરો અમરીશ ત્યાગી છે. જોકે ત્યાગીએ કહ્યું છે કે, OBIએ સોશિયલ મીડિયા કે ડિજિટલ મીડિયાનું કોઈ જ કામ કર્યું નથી અને તે રાજકીય પક્ષો સાથે ગ્રાઉન્ડ પર જ કામ કરે છે. તેમની કંપની કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓમાં શામેલ નથી.

(7:04 pm IST)