Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નમસ્તે વિશ્વ, ટ્રમ્પની મુલાકાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ વધશે

ભારતના વડાપ્રધાન મોદી વિશ્વની મહાસત્તાના સુકાનીને પોતાના વતનમાં લાવવા માટે સક્ષમ હોવાનું સાબિત : ખર્ચનો મુદ્દો સિક્કાની એક બાજુ, સિક્કાની બીજી બાજુ ચળકતીઃ દુનિયાના દેશોને અમેરિકાનો ભારત સાથે ગાઢ નાતો હોવાની પ્રતિતિ થતા ભારત સામે અવાજ ઉઠાવતા પહેલા અનેક વખત વિચાર કરવો પડશેઃ વેપાર કરાર અને અન્ય ફાયદા વધારામાં: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ગુજરાત આવતા હોય તેવો પ્રથમ પ્રસંગ

રાજકોટ, તા. ૨૨ :. વિશ્વની સર્વોચ્ચ સત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તે દિવસે બપોરે અમદાવાદમાં નિર્માણ પામેલ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડીયમમાં 'નમસ્તે ટ્રમ્પ' શીર્ષકથી તેમનો અભિવાદન કાર્યક્રમ યોજાનાર છે. તેની તડામાર તૈયારી ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ગુજરાતની મુલાકાતે આવતા હોય તેવો પ્રથમ પ્રસંગ છે. આ કાર્યક્રમને અનુલક્ષીને સોશ્યલ મીડીયામાં ખર્ચ સહિતના મુદ્દે મનોરંજક ટિપ્પણી થઈ રહી છે. વિશ્વ કક્ષાની વ્યકિતના આગમન ટાણે સરકારને થનાર ખર્ચનો મુદ્દો સિક્કાની એક બાજુ છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ ચળકતી છે. ટ્રમ્પની ગુજરાત અને દિલ્હી મુલાકાતથી વિશ્વનું ધ્યાન આ કાર્યક્રમ તરફ ખેંચાશે અને વૈશ્વિક સ્તરે ભારતનો પ્રભાવ વધશે.

રાષ્ટ્રીય અને રાજકીય પ્રવાહોના સમીક્ષકોનું માનવુ છે કે સત્તાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી શકિતશાળી ગણાતી વ્યકિત મુલાકાતે આવે ત્યારે તેને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવામાં ખર્ચ થાય તે સ્વભાવિક બાબત છે. આ મુલાકાત અનેક રીતે મહત્વની છે. વિશ્વની મહાસત્તાના સુકાનીને ભારતના વડાપ્રધાન પોતાના વતનમાં લાવવા માટે સક્ષમ હોવાનું આ પ્રસંગથી સાબિત થાય છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનવાથી વિશ્વના દેશો પર તેની અસર દેખાશે. ભારત વિરોધી મનાતા દેશો ભવિષ્યમાં ભારત સામે અવાજ ઉઠાવવામાં અનેક વખત વિચાર કરે તેવી મજબુત પરિસ્થિતિ તરફનું આ મહત્વનુ પગલુ ગણાય છે. યુનોમાં ભારતને સહયોગનું બળ વધવાની આશા છે. અમેરિકા જેની સાથે હોય તેની વિરૂદ્ધમાં જવાનું સહેલુ નથી તે સંદેશ વિશ્વના દેશોમાં જશે.

ટ્રમ્પની મુલાકાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની પ્રસિદ્ધિ થવા ઉપરાંતના ફાયદાની પણ નવી દિશા ખુલશે. ભારતના વડાપ્રધાન ગુજરાતી હોવાનું ગુજરાતને ગૌરવ છે. ટ્રમ્પ સાથેના તેમના સંબંધોનો ગુજરાત સહિત સમગ્ર દેશને ફાયદો થવાની આશા વધી છે. અમેરિકા ગુજરાત કે ભારત સાથે કોઈ કરાર કરે તો તે વધારાનો ફાયદો હશે. ટ્રમ્પનો ભારતની મુલાકાત વખતનો એક એક શબ્દ મહત્વનો બનશે. અમેરિકાના વડાની આ મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને વધુ મજબુત કરી તેની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર અસર પાડવામાં નિર્ણાયક બનશે તેવુ સમીક્ષકોનું માનવુ છે.

(3:52 pm IST)