Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા એની ખબર નથી !

ટ્રમ્પ -મોદીનાં પોસ્ટર -બેનર પર કોઇનું નામ કેમ નથી?

નવી દિલ્હી,તા.૨૨: ર૪મીએ સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ગુજરાતી અને હિન્દી સહિત અંગ્રેજી ભાષામાં પણ સેંકડોની સંખ્યામાં પોસ્ટર- બેનર અને હોર્ડિંગ્સ બનાવવામાં આવ્યાં છે. અમદાવાદ અને ગાંધીનગરના રસ્તા પર ઠેર-ઠેર લગાવવામાં આવેલાં આ બેનર્સમાં ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો છે તો કેટલાકમાં  ટ્રમ્પના ફોટો અને નીચે 'નમસ્તે ટ્રમ્પ...'લખેલું જોવા મળે છે, પરંતુ નિમંત્રક કે અન્ય કોઈનો નામોલ્લેખ નથી. એને લઈને રાજકીય ક્ષેત્રે ચર્ચા છે કે જો આ બેનર- પોસ્ટરમાં નિમંત્રકનું નામ કેમ નથી?!  એ ઉપરાંત એમાં દોસ્તી મજબૂત કરવાની વાત છે તો કોની સાથે, ભારત સાથે કે મોદી સાથે?

રાજકીય સૂત્રોએ કહ્યું કે સામાન્ય રીતે આવા પ્રસંગે લગાવાતાં પોસ્ટર-બેનરોમાં નિમંત્રક કે આમંત્રિત સંસ્થા કે સરકાર કે એજન્સીનું નામ જોવા મળે છે, પરંતુ દુનિયાના સૌથી પાવરફુલ દેશ અમેરિકાના સુપરપાવર રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારત અને ગુજરાત આવતા હોય ત્યારે તેઓ કોના આમંત્રણથી પધારી રહ્યા છે એનું નામ જાણવામાં લોકોને રસ હોય. પોસ્ટર- બેનરોમાં નિમંત્રકનું નામ ન હોવાથી સવાલ એ થઈ રહ્યો છે કે આવડા મોટા દેશના રાષ્ટ્રપતિ કોના કહેવાથી આવી રહ્યા છે. દેખીતી રીતે જ ભારત સરકારનું નામ આપવામાં આવી શકે, પરંતુ પોસ્ટરમાં કયાંય પણ કોઈ સરકારનું નામ નથી કે કોઈ સંસ્થા કે સેવાભાવી સમિતિ વગેરે. કોઈનું નામ દર્શાવવામાં આવ્યું નથી અને એ કોઈ ભૂલ છે કે જાણીજોઈને નામ ટાળવામાં આવ્યું છે એની પણ ચર્ચા છે.

સૂત્રોએ કહ્યું કે કેટલાંક પોસ્ટર-બેનરોમાં અંગ્રેજીમાં બે જણની દોસ્તીને મજબૂત કરવાનો ઉલ્લેખ છે. ફોટોમાં ભારત કે અમેરિકાનો નકશો નથી. માત્ર બે મહાનુભાવોના ફોટો છે ત્યારે તેઓ પોતાની દોસ્તીને મજબૂત કરવા માટે કાર્યક્રમ યોજી રહ્યા છે કે કેમ એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે.

(11:33 am IST)