Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કેન્દ્ર સરકારે બહાર પાડી એડવાઇઝરી

રામલલ્લાના નામે અન્ય ટ્રસ્ટ ફંડ-ફાળા લઇ નહિ શકે

અયોધ્યા,તા.૨૨: રામલલ્લાના નામે મંદિરે નિર્માણથી માંડીને કોઇ પણ ગતિવિધિ માટે હવે અધિકૃત ટ્રસ્ટ સિવાય કોઇ અન્ય ટ્રસ્ટ/ સંસ્થા અથવા વ્યકિત ભેટ, દાન અનુદાન કે ફાળો નહીં લઇ શકે શ્રી રામ જન્મભુમિ તીર્થક્ષેત્ર બોર્ડની મીટીંગ પછી આવી એડવાઇઝરી ગૃહ મંત્રાલયે બધા રાજ્યો માટે બહાર પાડી છે.

રામમંદિર બાબતે ૧૯૮૪માં સૌ પહેલા શ્રી રામ જન્મભૂમિ મુકિત યજ્ઞ સમિતિ મહંત અવૈધનાથજીની અધ્યક્ષતામાં બની હતી. પછી એક વર્ષ પછી જગદ્ગુરૂ રામાનંદાચાર્યની અધ્યક્ષતામાં ઓકટોબર ૧૯૮૫માં શ્રી રામ જન્મભૂમિ ન્યાસની રચના થઇ ત્યાર પછી ૧૯૮૯માં મહંત પરમહંસ રામચંદ્ર તેના અધ્યક્ષ બન્યા. આ ટ્રસ્ટેના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ જ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પણ અધ્યક્ષ નક્કી થયા છે.

બાબરી માળખું તોડી પડાયા પછી તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહ રાવના પ્રયાસથી જયોતિષ પીઠાધીશ્વર અને દ્વારીકા શારદા પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીની આગેવાનીમાં ૧૯૯૩માં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ રામાલય ન્યાસની રચના થઇ હતી. અયોધ્યા એકટ લાવીને આ ટ્રસ્ટને રામમંદિરનું કામ સોંપવાનું હતું. ત્રીજુ ટ્રસ્ટ શ્રી રામ જન્મભુમિ મંદિર નિર્માણ ન્યાસ છે. જેના સર્વેસર્વા અહીંના જાનકીઘાટ બડા સ્થાનના મહંત જન્મેજય શરણ છે. આ બધા ટ્રસ્ટોને રામલલાનું મંદિર બનાવવા માટે કરોડો રૂપિયાનું દાન મળ્યું છે.

હવે નવું ટ્રસ્ટ બની ગયા પછી પણ રામાલયે સ્વર્ણ સંગ્રહ સપર્યા અભિયાન હેઠળ દેશના સાત હજાર ગામોમાંથી એક હજાર કિલો સોનું ભેગું કરીને ભવ્ય રામ મંદિર બનાવવાનું અભિયાન ૭ ફેબ્રુઆરી ૨૦૨૦થી શરૂ કર્યુ છે. આ અભિયાન વિરૂધ્ધ અહીંના કલેકટર અનુજ કુમાર ઝાએ પણ સરકારને રિપોર્ટ મોકલ્યો હતો.

સુત્રો જણાવે છે કે નવી દિલ્હીમાં ૧૯ ફેબ્રુઆરીએ થયેલી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની પહેલી બેઠક પછી અધ્યક્ષ બનેલા મહંત નૃત્યગોપાલદારસ અને મહામંત્રી ચંપતરાયે પોતે અન્ય ટ્રસ્ટો દ્વારા ભેગા કરાતા દાન અને ફાળા સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર  પછી કેન્દ્ર સરકારે સખત પગલા લેવાનું આશ્વાસન આપીને એડવાઇઝરી બહાર પાડી છે.

રામાલય ટ્રસ્ટના મંત્રી સ્વામી અવિમુકતેશ્વરાનંદે પત્રકારોને જણાવ્યું કે દેશના ૭ હજાર ગામોમાંથી એક હજાર કિલો સોનું દાન લેવાનું અમારૂ લક્ષ્ય છે. આ અભિયાન વારાણસીથી શરૂ કરવામાં આવ્યું છે. અમે સોનું ઉઘરાવીને અધિકૃત ટ્રસ્ટને જ આપીશું. દાન આપનાર એફીડેવીડ દ્વારા જ સોનું આપી રહ્યા છે. અમે રામાલયના માધ્યમથી જ દાન કરવા  ઇચ્છીએ છીએ. એટલે સરકાર અથવા કોઇ ટ્રસ્ટ  અમને દાન લેતા નહીં રોકી શકે. અમારા ટ્રસ્ટમાં સનાતન ધર્મના બધા મુખ્ય સંત-ધર્માચાર્ય અને અખાડા છે. સ્વામી સ્વરૂપાનંદજી મહારાજની અંટસના કારણે સરકારે આ સંતોને માન નથી આપ્યું. આ અંગે અમે આખા દેશમાં લડત આપશું. વિહીપ-સંઘ અને ભાજપાની મનમાનીના કારણે સમાજમાં વિખવાદ ઉભો થઇ રહ્યો છે.

(11:27 am IST)