Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

શાહી મહેમાન... શાહી સ્વાગત... શાહી જલ્સો... શાહી તૈયારી

સોમવારે સમગ્ર અમદાવાદ કહેશે...વેલકમ મિ. પ્રેસિડેન્ટ

ટ્રમ્પ યાત્રાનું કાઉન્ટડાઉન શરૃઃ સોમવારે બપોરે અમદાવાદમાં આગમનઃ ભવ્યાતિભવ્ય સ્વાગત થશેઃ ઐતિહાસિક રોડ શોઃ વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ મોટેરામાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમઃ કાર્યક્રમમાં ૧ લાખથી વધુ લોકો ભાગ લેશેઃ કૈલાશ ખેર, પાર્થિવ ગોહીલ, પુરૂષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે, કિર્તીદાન ગઢવી વગેરે કલાકારો પર્ફોર્મન્સ કરશેઃ સમગ્ર અમદાવાદમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થાઃ ટ્રમ્પ બપોર બાદ તાજમહાલનો દિદાર કરશેઃ રાત્રે જ દિલ્હી પહોંચશેઃ બીજા દિવસે ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા સહિતના કાર્યક્રમોઃ મોદી સતત સાથે રહેશે

નવી દિલ્હી, તા. ૨૨ :. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. પોતાના પ્રથમ ભારતના પ્રવાસે તેઓ ૨૪ અને ૨૫મીએ ભારત આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્નિ અને પુત્રી ઈવાંકા પણ આવી રહ્યા છે. ટ્રમ્પની સાથે એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ પણ ભારત આવી રહ્યુ છે. સૌ પહેલા ટ્રમ્પ ૨૪મીએ બપોરે અમદાવાદ આવશે. તે પછી આગ્રા તાજમહાલના દિદાર કરવા જશે અને રાત્રે પાટનગર દિલ્હી પહોંચશે. બીજા દિવસે સવારે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને હૈદરાબાદ હાઉસમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. વડાપ્રધાન મોદી સતત તેમની સાથે રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ૩૬ કલાક ભારતમાં પસાર કરશે. આ દરમિયાન ટ્રમ્પ અને મોદી વચ્ચે ત્રાસવાદ, દ્વિપક્ષીય સંબંધો, એચ-૧બી વિઝા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વ્યાપાર સહિતની બાબતો અંગે ચર્ચા-વિચારણા થશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સૌ પહેલા અમદાવાદ આવશે. આ માટે અમદાવાદમાં તેમના ઐતિહાસિક સ્વાગતની જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે. તેમની આ મુલાકાત યાદગાર બની રહે તે માટે ભવ્ય તૈયારી થઈ રહી છે. અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત બાદ તેઓ મોટેરા સ્ટેડીયમ જશે કે જે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ છે. ત્યાં જતા માર્ગમાં તેઓ રોડ શો કરશે. જે દરમિયાન ભારતના ૨૮ રાજ્યો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવશે.

મોટેરા સ્ટેડીયમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીએમ મોદીની સાથે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેશે. બન્ને ૧ લાખથી વધુ લોકોને સંબોધન કરશે. ત્યાં કૈલાશ ખેર, પાર્થિવ ગોહીલ, પુરૂષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારો પર્ફોર્મન્સ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા એનઆરઆઈ લોકો પણ ભાગ લેશે.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમેરિકા સુરક્ષા એજન્સીઓ સાથે એનએસજી, એસપીજી જેવી રાષ્ટ્રીય એજન્સીઓ સાથે સુરક્ષાના ગાર્ડ પણ તૈનાત થશે. રેપીડએકશન ફોર્સ, ચેતક કમાન્ડો, ત્રાસવાદ નિરોધક ટુકડી વગેરેને મહત્વના સ્થાનો પર તૈનાત કરાશે. રોડ શો દરમિયાન રસ્તાની બન્ને બાજુએ હજારો લોકો ટ્રમ્પ અને મોદીનું અભિવાદન કરશે. ડ્રોનથી પણ નજર રખાશે. રોડ શોની સુરક્ષા માટે ૨૫ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નેતૃત્વમાં ૧૦ હજારથી વધુ પોલીસ તૈનાત થશે.

અમદાવાદના કાર્યક્રમ બાદ ટ્રમ્પ પોતાની પત્નિ સાથે આગ્રા જશે અને ત્યાં તેઓ તાજમહાલના દિદાર કરશે. તે પછી રાત્રે સમગ્ર કાફલો દિલ્હી જશે. જ્યાં રાત્રીરોકાણ કરશે. ૨૫મીએ સવારે ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. તે પછી તેઓ રાજઘાટ જશે અને પછી હૈદરાબાદ હાઉસમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે પ્રતિનિધિ કક્ષાની વાટાઘાટો થશે.

સમગ્ર વિશ્વની નજર ટ્રમ્પની ભારત યાત્રા ઉપર કેન્દ્રીત થઈ છે.

(10:07 am IST)
  • નિવૃત IAS અમરજીત સિંહા તથા ભાસ્કર ખુલબીની પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિમણુંક : કેબિનેટની મંજૂરી access_time 8:07 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ઉપર ચડાવવા માટે ચાદર મોકલી : ખ્વાજા મોઇનુદીન ચિસ્તીના 808 માં ઉર્ષ પ્રસંગે લઘુમતી પ્રતિનિધિ મંડળ દ્વારા આ ચાદર ચડાવાશે access_time 8:28 pm IST

  • રાજકોટમાં રાજકાણ ગરમાયું: બેડી માર્કેટીંગ યાર્ડમાં હડતાલ યથાવતઃ ભાજપના બે જૂથ આમને સામનેઃ મચ્છરોના ત્રાસથી સતત ૪ દિવસથી માર્કેટ યાર્ડ બંધઃ વેપારી અને સત્તાધીશો વચ્ચે બેઠક નિષ્ફળ રહી access_time 11:41 am IST