Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મોદી સરકારની 'ઉજ્જવલા યોજના' પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું: ભાવ વધતા કોઈ રીફિલ કરાવતું નથી !

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : કનેક્શનમાં થયો ઘટાડો : ભાવ વધતા ફરી વખત રીફિલ કરાવવું અશક્ય: મોટાભાગનાએ વપરાશ ઘટાડી નાખ્યો

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની ચમક હવે ફિકી પડતી જાય છે. સતત વધતા ગેસના ભાવના કારણે લોકો રીફીલ કરાવતું નથી,ઉજ્જવલા યોજના અંતર્ગત દેશમાં ગરીબ મહિલાઓને અત્યાર સુધીમાં આઠ કરોડ મફત એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. સરકારનો ઉદેશ્ય હતો કે, મહિલાઓને લાકડા અને કોલસાના ધૂમાડામાં છૂટકારો મળે. પણ એલપીજીના ભાવો આસમાને પહોંચતા આ ઉદેશ્યમાં ગ્રહણ લાગી રહ્યું છે.

 તાજેતરમાં  આવેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દેશભરમાં ઉજ્જવલાના લાભાર્થીઓમાંથી 24.6 ટકા લાભાર્થીઓ પ્રથમ સિલિંડર લીધા બાદ કોઈએ પણ રિફિલ કરાવ્યો નથી. તો વળી 17.9 ટકા લાભાર્થીઓએ ફક્ત એક અથવા તો બે વાર રિફિલ કરાવ્યો છે. ત્રણ રિફિલ કરાવનારાઓની સંખ્યા 11.7 ટકા છે. ચાર અથવા તો તેનાથી વધારે વખત રિફિલ કરાવનારાઓની સંખ્યા 45.8 ટકા છે. એસબીઆઈએ આ રિપોર્ટમાં મે 2016ના ડિસેમ્બરમાં 2018 સુધીના 5.92 કરોડ ઉજ્જવલાના કનેક્શનના ડેટાનો અભ્યાસ કર્યા બાદ આ તારણ આપ્યું છે.

 દેશભરમાં ઉજ્જવલા સિવાયના ગેસની જરૂરીયાત 6.7 સિલિંડરની છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, ઉજ્જવલા યોજનાએ ગરીબ પરિવારોને ગેસ સિલિંડર તો પહોંચી ગયા, પણ વધતા ભાવોની વચ્ચે તેને રિફિલ કરવાની હિંમત ન આપી. સરકારી આંકડાઓ તેની ચાડી ખાય છે કે, ઉજ્જવલાની ચમક પર મોંઘવારી કાળી ટિલી લાગી છે.એક અન્ય રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે જોઈએ તો, 2017માં ઉજ્જવલા કનેક્શનનું સરેરાશ વેચાણ 3.9 સિલિંડર જ થયું છે, જે વર્ષ 2019માં ઘટીને 3 સિલિંડર સુધીની થઈ ગયું છે.

  યોજનાની સફળતા એ રહી છે કે, ઓક્ટોબર 2019 સુધીમાં દેશભરમાં 96.5 ટકા ઘરોમાં એલપીજી પહોંચી ગયા , પણ વધતી કિંમતોએ સિલિંડરનો વપરાશ ઘટાડી દીધો. હાલમાં સબસિડી વગરના ગેસ પર 14.2 કિલો વાળા સિલિંડરની કિમતમાં 144.5 રૂપિયાનો વધારો કરાયો છે. જે સતત છઠ્ઠી વાર ભાવ વધ્યો છે. ત્યાર બાદ સિલિંડરની કિંમત 858.50 રૂપિયા થઈ ગઈ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડી 174.86 રૂપિયાથી વધારીને 312.48 રૂપિયા પ્રતિ સિલિંડર કરી દીધી છે. પણ મૂળ સમસ્યા એ છે કે, આ લાભાર્થીઓને એક સાથે 858 રૂપિયા ચુકવવા પડે છે. સબસિડી તો ખાતામાં બાદમાં આવે છે.

(12:00 am IST)