Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

TVAsia ચેનલના ચેરમેન તથા CEO ઇન્ડિયન અમેરિકન શ્રી એચ.આર.શાહને માનદ ડોક્ટરેટ પદવી એનાયત : ભારતના પંજાબમાં આવેલી દેશ ભગત યુનિવર્સીટીના ઉપક્રમે 14 ફેબ્રુ ના રોજ યોજાયેલા વાર્ષિકોત્સવમાં સિક્કિમના ચીફ મિનિસ્ટરના હસ્તે પદવી આપી સન્માનિત કરાયા: સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક,રાજકીય,સહીત તમામ ક્ષેત્રે છેલ્લા 35 વર્ષની કોમ્યુનિટી સેવાઓની કદર

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : યુ.એસ.ની અગ્રણી સાઉથ એશિયન અમેરિકન ચેનલ TVAsia ના ચેરમેન તથા CEO પદ્મશ્રી શ્રી એચ.આર.શાહને ભારતના  પંજાબ ની દેશ ભગત  યુનિવર્સીટીએ 14 ફેબ્રુ 2019 ના રોજ માનદ ડોક્ટરેટની પદવી આપી સન્માનિત કર્યા છે.ઇન્ડિયન અમેરિકન  આંત્રપ્રિનિઅર,કોમ્યુનિટી લીડર, તથા ડોનર, તરીકેની  તેમજ નિસ્વાર્થ ભાવે માનવતાભરી તેમની સેવાઓને ધ્યાને લઇ  તેઓને  યુનિવર્સીટીના વાર્ષિકોત્સવ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરી ઉપરોક્ત પદવીથી સન્માનિત કરાયા હતા.તેમની સાથે સિક્કિમના ચીફ મિનિસ્ટર શ્રી પવનકુમાર ચેમ્પલીંગ ને પણ માનદ ડોકરેટની પદવી એનાયત કરાઈ હતી.તથા તેઓને વાર્ષિકોત્સવના  મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરાયા હતા.

શ્રી શાહને યુનિવર્સીટીના ચાન્સેલર ડો.ઝોરા સિંઘ ,પ્રો ચાન્સેલર શ્રી તજ઼િન્દર કૌર તથા ,વાઇસ ચાન્સેલર ડો. વિરેન્દર સિંઘ ,એ માનદ ડોક્ટરેટ તરીકે સન્માનિત કર્યા હતા.તથા  સિક્કિમના ચીફ મિનિસ્ટર શ્રી પવનકુમાર ચેમ્પલીંગ ના વરદ હસ્તે પદવી  એનાયત કરવામાં આવી હતી. તેમજ તેમની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક,રાજકીય,સહીત તમામ ક્ષેત્રે નિસ્વાર્થ સેવાઓને બિરદાવાઇ હતી.  આ તકે અન્ય મહાનુભાવોને પણ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા હતા જેમાં શ્રી ભરત રત્ના ,  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી (હાજર નહોતા),વોકહાર્ટ ફાઉન્ડેશનના -ડો.હુઝૈફા ખોરાકીવાલા,હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના શ્રી વી.આર.શંકર,શ્રી સંત બલબીર સિંઘ ,અભિનેત્રી સુશ્રી પ્રીતિ સપરુ ,પૂર્વ હેલ્થ મિનિસ્ટર શ્રી લવ વર્મા ,તથા લેફટનન્ટ જનરલ શ્રી શોકીન ચૌહાણનો સમાવેશ થતો હતો.ઉપરાંત સુપ્રતિષ્ઠિત ગણાતો ચાન્સેલરનો લીડરશીપ એવોર્ડ શ્રી આર.એસ.બસનેટ,શ્રી સબાની પટનાયક,માતા જરનૈલ કૌર,ડો.વિકાસ જિંદાલ,ડો.નરેશ મિત્તલ,ડો.એસ.પી.સિંઘ,પ્રોફેસર આર.પી.કૌશિક,તથા શ્રી બિનયકુમાર ને એનાયત કરાયો હતો.

TVAsia ના ચેરમેન તથા CEO શ્રી શાહ 24/7 ટી.વી.સ્ટેશન ચલાવતા સૌપ્રથમ nri છે.જેનું લોન્ચિંગ સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચનના હસ્તે 1993 ની સાલમાં યુ.એસ.કેનેડા,તથા કેરેબિયન ખાતે કરાયું હતું દર્શકોને ભારતીય મનોરંજન પીરસવામાં તેઓનું પાયાનું યોગદાન છે.એટલુંજ નહીં તેઓ પોતાની આ સુવિખ્યાત ચેનલ થકી ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો,તથા ઇતિહાસ રજૂ કરી નોર્થ અમેરિકામાં વસતી ભારતની ભાવિ પેઢીને વાકેફગાર કરવાની નેમ ધરાવે છે.સાથોસાથ આ ચેનલ સમાજનું પ્રતિબિંબ બની રહે તથા તેમના પ્રશ્નોને વાચા આપે તેવો ધ્યેય છે.હાલમાં તેમના નેજા હેઠળ નોર્થ અમેરિકામાં 38 ન્યુઝ બ્યુરો કાર્યરત છે.જે વિશ્વવ્યાપત 60 બ્યુરોએ પહોંચાડવાની તેમની નેમ છે.TVAsia લાંબા સમયથી કોમ્યુનિટી માટે " હોમ અવે ફ્રોમ હોમ " તરીકે લોકપ્રિય છે.તે સતત ભારતના કોન્સ્યુલેટ સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી માટેની કામગીરી વિષે લોકોને માહિતગાર કરે છે.

શ્રી શાહ છેલ્લા 35 વર્ષથી કોમ્યુનિટી સેવા ક્ષેત્રે કાર્યરત છે.તથા અમેરિકા અને ભારતમાં વસતા ભારતીયોને મદદરૂપ થવાની કોશિશ કરે છે.તેઓ ભારતીય વિદ્યા ભવન USA ના ચેરમેન અને ટ્રસ્ટી છે.જ્યાં તેમની સ્વર્ગસ્થ પુત્રીના નામે "રોમાન્ટી ઓડિટોરિયમ "નું નિર્માણ કરાયું છે.2017 ની સાલમાં ભારત સરકારે શ્રી શાહનું પદ્મશ્રી એવોર્ડ આપી સન્માન કર્યું હતું તેઓને 2005 ની સાલમાં કોમ્યુનિટી સેવાઓ માટે અપાતો એલિસ આઇલેન્ડ મેડલ પણ એનાયત કરાયો હતો.જેને યુ.એસ.હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ તથા સેનેટ બંનેએ સર્વાનુમતે માન્યતા આપી હતી.આ એવોર્ડ મેળવનાર મહાનુભાવોના નામ કોંગ્રેસના રેકોર્ડ ઉપર રાખવામાં આવે છે.ઉપરાંત ભારત તથા અમેરિકામાં તેઓને અનેક સામાજિક તેમજ સેવાકીય એવોર્ડથી સન્માનિત કરાયા છે.

ઉપરોક્ત દેશ ભગત યુનિવર્સીટી આયોજિત વાર્ષિકોત્સવએ સતત 4 કલાક સુધી વિવિધ કાર્યક્રમોથી સહુને જકડી રાખ્યા હતા.જે અંતર્ગત 1200 જેટલા સ્ટુડન્ટ્સને ડિગ્રી,ડિપ્લોમા સહીત વિવિધ ક્ષેત્રે એવોર્ડ અપાયા હતા.શ્રી શાહએ યુનિવર્સીટીના સત્તાધીશોનો આભાર માન્યો હતો.તથા તેઓની વિદ્યાર્થી ઘડતરની કામગીરી તેમજ નેતૃત્વને બિરદાવ્યા હતા.તેમણે ભારતની ટેક્નોલોજી તથા આર્થિક પ્રગતિમાં યોગદાન આપવા માટે ભાવિ પેઢીનું ઘડતર કરવાના યુનિવર્સીટીના ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું તથા શિક્ષણ માત્ર કમાણીનું સાધન નહીં બની રહેતા શ્રેષ્ઠ જીવનનું ઘડતર કરનારું બની રહે તેવા યુનિવર્સીટીના પ્રયાસની સરાહના  કરી હતી.તથા આ યુનિવર્સીટીમાં શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ માત્ર પોતાના કુટુંબના જ નહીં પરંતુ સમાજ તેમજ સમગ્ર દેશના તારણહાર બની રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.એટલું જ નહીં પોતાના સંતાનોના  શ્રેષ્ઠ શિક્ષણ માટે ભોગ આપનાર વાલીઓને પણ તેમણે બિરદાવ્યા હતા.તથા યુનિવર્સીટીનો આજનો ઉત્સવ સ્ટુડન્ટ્સ માટે આજીવન વિદ્યાર્થી બની રહેવા પ્રેરણાદાયી બને તેવી કામના વ્યક્ત કરી હતી.

શ્રી શાહએ આ તકે સિક્કિમના ચીફ મિનિસ્ટર શ્રી ચેમ્પલીંગ સાથે યુ.એસ.તેમજ વિશ્વના પ્રવાસીઓ માટે સિક્કિમ ટુરિઝ્મનું લોકપ્રિય મથક બની રહે તેવી જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી.તથા સિક્કિમની  ICFAI યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો.જગન્નાથ પટનાયક સાથે યુ.એસ.ની યુનિવર્સીટીના જોડાણ અંગે વિચાર વિનિમય કર્યો હતો.દેશ ભગત યુનિવર્સીટીના ચાન્સેલર ડો.ઝોરા સિંઘ તથા શ્રી શાહએ યુ.એસ.એજ્યુકેશન સાથે યુનિવર્સીટીના સ્ટુડન્ટ્સના જોડાણ અંગે પણ ચર્ચાઓ કરી હતી તેવું શ્રી એચ.આર.શાહની યાદી જણાવે છે.

(7:40 pm IST)