Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભારત બાદ ઇરાને પણ પાકિસ્‍તાનને કહી દીધુઃ આતંકીઓ પર કાર્યવાહી નહીં કરો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે

નવી દિલ્હી: આતંકવાદને શરણ આપનારા પાકિસ્તાને હવે વૈશ્વક સ્તરે દબાણ સહન કરવું પડી રહ્યું છે. ઈરાને પણ શુક્રવારે પાકિસ્તાનને મોટી ચેતવણી આપી દીધી છે. ઈરાને કહી દીધુ છે કે પાકિસ્તાન આતંકી સંગઠનો પર કડક કાર્યવાહી કરે. ઈરાનની કુર્દ સેનાના કમાન્ડરે કહ્યું કે પાકિસ્તાન પાડોશી દેશોમાં આતંકવાદ ફેલાવે. ઈરાને એમ પણ કહ્યું કે જો પાકિસ્તાન આમ નહીં કરે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.

અત્રે જણાવવાનું કે ઈરાન પણ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો ભોગ બની રહ્યું છે. પાકિસ્તાની સરહદે જોડાયેલા ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં 13 ફેબ્રુઆરીના રોજ ફિદાયીન હુમલાખોરે રેવોલ્યુશનરી ગાર્ડ્સની એક બસ પર હુમલો કર્યો જેમાં 27 જવાનોના મોત થયા હતાં. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સ પર હુમલો કરનારો આતંકી પાકિસ્તાની નાગરિક હતો. ફોર્સના સિપાહ સમાચાર એજન્સીએ ગાર્ડ્સના ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ મોહમ્મદ પાકપૌરના હવાલે કહ્યું કે ફિદાયીન હુમલાખોરનું નામ હાફીઝ મોહમ્મદ અલી હતું અને તે પાકિસ્તાની હતો.

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના  પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ મોહમ્મદે લીધી છે. અત્રે જણાવવાનું કે સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) પણ ગુરુવારે હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં.

સુરક્ષા પરિષદે ઘટનાના અપરાધીઓ, ષડયંત્રકારો, અને તેમને ફંડ ઉપલબ્ધ કરાવનારાને 'નિંદનીય કૃત્ય' માટે જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાયના દાયરામાં લાવવાની જરૂરિયાતને રેખાંકિત કરી. સંયુક્ત રાષ્ટ્રની 15 શક્તિશાળી દેશોની પરિષદે પોતાના નિવેદનમાં પાકિસ્તાનના આતંકી સમૂહ જૈશ મોહમ્મદનું પણ નામ લીધું.

પરિષદમાં ચીન વીટોની ક્ષમતા ધરાવતું સ્થાયી સભ્ય છે. તેણે  પૂર્વમાં ભારત દ્વારા સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિ સામે આતંકી સંગઠન જૈશ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવાની માગણીના રસ્તામાં રોડો નાખ્યો હતો. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને તો હુમલામાં તેનો હાથ હોવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે આખુ વિશ્વ જાણે છે કે જૈશ મોહમ્મદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન છે અને પાકિસ્તાની સેના સાથે તેના ગાઢ સંબંધ છે.

યુએનએસસી તરફથી જારી કરાયેલી એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા પરિષદના સભ્યો 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં જઘન્ય અને કાયરતાપૂર્ણ રીતે થયેલા આત્મઘાતી હુમલાની કડક નીંદા કરે છે. જેમાં ભારતના અર્ધસૈનિક દળના 40 જવાનો શહીદ થઈ ગયાં હતાં અને હુમલાની જવાબદારી જૈશ મોહમ્મદે લીધી હતી. નિવેદનમાં આતંકવાદને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર જોખમોમાંથી એક ગણાવવામાં આવ્યો છે.

(4:45 pm IST)