Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

IOCએ ભારતમાં ઓલિમ્પિકના કાર્યક્રમ ઉપર મૂકયો પ્રતિબંધ

પાકિસ્તાનના શૂટર્સને ભારતે વિઝા નહિ અપાતા

નવી દિલ્હી તા. ૨૨ : પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ રમતના મેદાન સુધી પહોંચી ગયો છે. ગુરૂવારથી દિલ્હીમાં શર થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનના શૂટર્સને ભાગ લેવા માટે વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. શૂટર્સના વિઝા કેન્સલ થવાના લીધે પાકિસ્તાનના શૂટર્સે ઇન્ટરનેશલ ઓલિમ્પિક કમિટીમાં રજૂઆત કરી હતી. શૂટર્સને વિઝા ન આપવાના ભારતના નિર્ણયને વખોડતા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ભારતમાં ઓલિમ્પિકના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકયો છે. હવે ભારતમાં ગ્લોબલ સ્પોર્ટ્સના કોઈ પણ આયોજન યોજી નહીં શકાય.

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિએ જણાવ્યું, 'ભારત સરકાર અને ઓલિમ્પિક સમિતિ યોગ્ય સમયે ખેલાડીઓને સ્પર્ધા સુધી પહોંચાડી શકી નહીં, જેના પગલે આઈઓસીએ નિર્ણય લીધો છે કે ભારતમાં ભવિષ્યમાં યોજાનારી તમામ ગ્લોબલ ઇવેન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે ભારતમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ કરવાની પરવાનગી નહીં મળે. આ પ્રતિબંધ ત્યા સુધી રહેશે જયાં સુધી ભારત સરકાર ભવિષ્યમાં આવું નહીં થવાની લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યા સુધી આ પ્રતિબંધ રહેશે.'

આઈઓસીએ અન્ય સ્પોર્ટ્સ ફેડરેશન સમક્ષ પણ માંગણી કરી છે કે ભારત પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાની શૂટર્સના વિઝા રદ્દ કર્યા ત્યાર બાદ કમિટીએ ભારતને ઓલિમ્પિકના ઓપાલ ૧૬ કોટા પણ પરત લઈ લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાચાર ભારતમાં માટે મોટો ઝટકો છે, ભારતીય ઓલિમ્પિક સંઘે ૨૦૨૬ યૂથ ઓલિમ્પિકસ, ૨૦૩૦ એશિયન ગેમ્સ અને ૨૦૩૨ ઓલિમ્પિકસને ભારતમાં યોજવાની તૈયારી કરી હતી.(૨૧.૩૦)

 

(4:12 pm IST)