Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી

પુલવામા હુમલા બાદ ગુપ્ત અહેવાલ મળ્યા છે

નવી દિલ્હી,તા. ૨૨: કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઘુસણખોર કરાવવા માટેના નાપાક પ્રયાસોની સાથે સાથે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ત્રાસવાદીઓને હવે દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા માટેની તાલીમ પણ આપી રહી હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે.પુલવામા હુમલો થયા બાદ ઇન્ટેલિજન્સ એજન્સીઓને હાથ લાગેલા ચોક્કસ ઇનપુટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ત્રાસવાદીઓ અને પાકિસ્તાની ઘુસણખોરોને સ્વિમિંગ અને ડીપ ડાઇવિંગની ટ્રેનિંગ પણ આપી રહી છે. સાથે સાથે કાશ્મીરમાં સુરક્ષા દળોનો સામનો કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. કાશ્મીરમાં ત્રાસવાદીઓ સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને બ્લાસ્ટ પણ કરી શકે છે. આ પ્રકારની ગુપ્ત માહિતી હાથ લાગ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાથે સાથે સુરક્ષા દળોને વધારે એલર્ટ કરવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ ત્રાસવાદીઓ જેલમાં રહેલા એક ખતરનાક ત્રાસવાદીને છોડાવવા માટે યોજના બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ સંસ્થાઓએ ચેતવણી આપતા કહ્યુ છે કે ત્રાસપવાદીઓ દરિયાઇ માર્ગનો ઉપયોગ કરીને હુમલા કરી શકે છે. ક્રિક વિસ્તારમાં પાકિસ્તાન મરીન ત્રાસવાદીઓને ખતરનાક તાલીમ આપવામાં વ્યસ્ત છે. ટેકનોલોજીનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે તે અંગે પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્રાસવાદીઓ ખતરનાક હુમલાના ભાગરૂપે ઇન્ડિયન પોસ્ટ, કાર્ગો શિપ અને ઓઇલ ટેન્કર્સને ટાર્ગેટ બનાવી શકે છે. એવી માહિતી પણ મળી છે કે પાકિસ્તાનની આઇએસઆઇ હુમલો કરવા માટે પકડી પાડવામાં આવેલી ભારતીય  નોકાઓનો ઉપયોગ કરી શકે છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ આ સ્પેશિયલ ઇનપુટ ગુજરાત એસઆઇબી, પોલીસ અને ગૃહ મંત્રાલય સાથે વહેચવામાં આવ્યા. છે. કાશ્મીરમાં સક્રિય રહેલા અને હાલના વર્ષોમાં ફ્લોપ સાબિત થઇ રહેલા જેશના ત્રાસવાદીઓ સુરક્ષા દળોના કાફલા પર હુમલો કરવા માટે આઇઇડી અટેક કરી શકે છે. આ ત્રાસવાદી ગ્રુપની પાસે મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી રહેલી છે. ગુપ્ત અહેવાલ એવા પણ મળ્યા છે કે ત્રાસવાદીઓ લશ્કરે તોયબાના ત્રાસવાદી શ્સુલ વકારને જેલમાંથી મુક્ત કરાવવાના પ્રયાસ કરી શકે છે.જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. કાશ્મીર ખીણમાં છેલ્લા ૧૫ દિવસના ગાળામાં ૫૦થી વધારે જવાનો શહીદ થઇ ચુક્યા છે. સ્થિતિ હજુ ખરાબ થવાની દહેશત દેખાઈ રહી છે. સ્થિતિને ધ્યાનમાં લઈને સુરક્ષા સંસ્થાઓએ તમામ જિલ્લાઓમાં સેના, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને એલર્ટ ઉપર મુકી દીધા છે. કાશ્મીર ખીણની અંદર સક્રિય આતંકવાદીઓ હુમલા કરવાના પ્રયાસમાં છે જ્યારે બીજી બાજુ ઘુસણખોરીના પ્રયાસ પણ વધી ગયા છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો સામે બેવડા મોરચે મોટા પડકાર ઉભા થઈ ગયા છે. હાલમાં ત્રાસવાદીઓએ  પુલવામાં ત્રાલ ખાતે સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં એસએસબી જવાન શહીદ થયા હતા.અથડામણને લઇને સુરક્ષા દળો ખુબ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા  છે. ત્રાસવાદીઓ દ્વારા સ્થિતી ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સેનાના ઓપરેશન ઓલઆઉટના પરિણામે ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે.

એક પછી એક ટોપ ત્રાસવાદીઓેને ઠાર કરવામાં આવી રહ્યા છે. હાલમાં પુલવામાં  ખાતે કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. જેશ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારી લેવામાં આવી હતી. જેશના ત્રાસવાદીઓ ફરી એકવાર જોરદાર રીતે સક્રિય થયા છે. જેથી સુરક્ષા દળો સામે નવા પડકારો આવી ગયા છે.  (૯.૮)

 

 

(4:09 pm IST)