Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કાશ્મીરીઓની સુરક્ષા અંગે ૧૧ રાજ્યોને સુપ્રીમની નોટીસ

પુલવામા હુમલા બાદ કાશ્મીરી છાત્રોની સુરક્ષા અંગે સુપ્રીમની લાલ આંખ : કાર્યવાહીનો આદેશ અપાયો : ટોળાની હિંસા મામલે નિયુકત થયેલા નોડલ ઓફિસર પણ કાશ્મીરીઓની સુરક્ષાનો રાખો ખ્યાલ : કોર્ટ

નવી દિલ્હી તા. ૨૨ : પુલવામા હુમલા બાદ દેશભરમાં ઠેર-ઠેર કાશ્મીરી વિદ્યાર્થીઓ પર થઇ રહેલી હિસા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત ૧૧ રાજયોને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય કાશ્મીરીઓની સુરક્ષા અંગે તમામ રાજય સરકારને એડવાઇઝરી મોકલશે. આ સિવાય સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તમામ રાજયોના ચીફ સેક્રેટરી અને ડીજીપી કાશ્મીરઓની વિરુદ્ઘ કોઇપણ હુમલા અને સમાજીક બહિષ્કારની વિરૂદ્ઘ તરત કાર્યવાહી કરશે.

સુપ્રીમ કોર્ટે જે રાજયોને નોટિસ પાઠવી છે તેમાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હી-એનસીઆર સામેલ છે.

૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા જેને લીધે સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો. દેશમાં વિવિધ રાજયોમાં કાશ્મીરીઓ વિરુદ્ઘ હિંસાની ઘટનાઓ સામે આવી હતી. કેટલાક કાશ્મીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને કેટલાકને તો કોલેજોમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય કાશ્મીરીઓ વિદ્યાર્થીઓને તેમના મકાન માલિકો દ્વારા ઘર ખાલી કરી દેવા જણાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હિંસા સાથે જોડાયેલા મામલાને જોવા માટે નિયુકત નોડલ ઓફિસર પણ કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. નોડલ અધિકારીઓની પાસે કોઇ પણ કાશ્મીરી વિદ્યાર્થી તેની ફરિયાદ નોંધાવી શકે છે. પુલવામાં હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરૂધ્ધ આવાજ ઉઠવા લાગી સાથે જ અલગ-અલગ રાજ્યોમાં કાશ્મીરી છાત્રોની સાથે મારપીટ અને ખોટા વ્યવહારની ખબરો સામે આવવા લાગી. દહેશતના કારણે અનેક સ્થળો પર કાશ્મીરી છાત્રોને સંસ્થાનોમાંથી બહાર જવાનું છોડી દીધું. કોર્ટમાં જનહિત અરજી દાખલ કરીને કાશ્મીરી છાત્રોને સુરક્ષિત માહોલ આપવાની અપીલ કરવામાં આવી હતી. જે અંગે રાજ્યોને નોટીસ ફટકારવામાં આવી છે.(૨૧.૨૬)

(4:08 pm IST)