Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા બનાવવામાં સિંહ ફાળો આપનાર પૂ. કસ્તુરબાનો આજે નિર્વાણદિન

પોરબંદર, તા. રર :  વિશ્વને સત્ય અને અહિંસાનો પ્રેરક સંદેશો આપનાર મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા બનાવવામાં સિંહ ફાળો આપનાર પૂ. કસ્તુરબા ગાંધીનો આજે નિર્વાણ દિન છે.

પોરબંદર, તા. રર : મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા બનાવવામાં જેમનો 'સિંહણ' ફાળો છે. એવા કસ્તુરબાનો જન્મ ૧૧ એપ્રિલ, ૧૮૬૯ના દિવસે પોરબંદરમાં કસ્તુર કાપડિયા તરીકે થયો હતો. અને તેમણે મહાશિવરાત્રી ની તિથી અને તા ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪ના દિવસે પુણેમાં આગાખાન મહેલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કસ્તુરનો જન્મ પોરબંદર ના ગોકુલદાસ અને વૃજકુંવરબા કાપડિયાના દ્યરે થયો હતો. અને ૧૮૮૨માં તેમના પોરબંદરમાં જ રહેતા મોહનદાસ કરમચંદ સાથે લગ્ન થયા હતા.  પતિ મહાત્મા ગાંધી કરતા ૫ મહિના અને ૨૨ દિવસ મોટા હોવા છતાં તેમના આ લગ્ન કરવામાં આવ્યા હતા. કારણ કે મોહનદાસના પિતા કરમચંદને કસ્તુર બહુ ગમી હતી. અને તેમને ખાતરી હતી કે કસ્તુર જ તેમના પરિવાર માટે આદર્શ પુત્રવધૂ સાબિત થયેલ. મોહનદાસ કરમચંદ ગાંધી ઉચ્ચ અભ્યાસ માટે ૧૯૮૮માં લંડન જવા રવાના થયા ત્યારે શરૂઆતમાં કસ્તુરબા પોતાના  દીકરા હરીભાઇ ગાંધીના ઉછેર માટે ભારતમાં જ રહ્યા હતા. વિદેશ થી બાપુ આવ્યા બાદ પણ કસ્તુરબા એ આખરી શ્વાસ સુધી બાપુના ખભેથી ખભા મિલાવી કામે લાગ્યા હતાં.

૧૯૪૨ માં ગાંધીજીની મુંબઈના શિવાજીપાર્કમાં ધરપકડ થઈ. ત્યારે સંદ્યર્ષ અટકે નહીં તે માટે પૂ.કસ્તુરબાએ  કાર્ય કર્યું હતું. કસ્તુરબાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. આર્થરરોડ જેલમાં રખાયા બાદ તેમની તબિયત લથડતા આગાખાન પેલેસ-પુનામાં લઈ જવાયા હતા અને ત્યાં તા. ૨૨ મી ફેબ્રુઆરી ૧૯૪૪ માં તેમણે અંતિમ શ્રાસ લીધા.

૧૯૨૨ માં જયારે બાપુ ની અંગ્રેજ સરકાર દ્વારા ધરપકડ થઇ અને તેમને ૬ વરસ ની સજા થઇ. ત્યારે પણ બા એ એક વીરાંગના ને છાજે તેમ સત્યાગ્રહીઓ ને હિમ્મત આપી અને સંદેશો આપ્યો કે સફળતા મેળવવી એ આપણા હાથની વાત છે. આથી તમામ સત્યાગ્રહીઓ ને રાત દિવસ રચ્યા પચ્યા રહી ને ચરખો ચલાવવા,ખાદી નું ઉત્પાદન કરવા, પરદેશી કાપડ નો ત્યાગ કરવો જેવા રચનાત્મક કાર્યો કરવા અપીલ કરી હતી. જેની એ સમય માં ખાસ્સી અસર પણ થઇ હતી અને ઠેર ઠેર પરદેશી કાપડ ની હોળીઓ કરાઈ હતી.

પૂ. કસ્તુરબા નિરક્ષર હતા. આથી ગાંધીજીને જ એવું થયું કે જો કસ્તુરબા અક્ષરજ્ઞાન મેળવે તો સારૃં રહેશે. ભણી જોવાય જ નહીં તો ભણાવવાની વાત તો કયાંથી આગળ લાવવી ? અંતે ગાંધીજી પોતે સમય મળતો ત્યારે કસ્તુરબાને શિક્ષણ આપતા એ રીતે કસ્તુરબાને શિક્ષિત બન્યા.

ઇ.સ. ૧૯૦૬ માં મહાત્મા ગાંધીએ ૩૭ વરસ ની ઉમરે આજીવન બ્રહ્મચર્ય પાળવા નો  નિર્ણય લીધો હતો. ત્યારે કસ્તુરબા એ તેમનો આ નિર્ણય પણ સહર્ષ સ્વીકારી લીધો હતો. અને આ અંગે કયારેય વિરોધ કર્યો ન હતો. અને નિર્ણય નું પાલન માટે ર્ સહયોગ આપ્યો હતો.

પૂ.કસ્તુરબાએ હંમેશા બાપુએ ચિંધેલ સાદગીના સિઘ્ધાંતને જ જીવનમાં ઉતાર્યો હોય તેમ વર્ષો સુધી નવી સાડીની ખરીદી કરી નહોતી. પૂ. કસ્તુરબાએ લગ્ન પછી સાસરીયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ષો સુધી નવી સાડી ખરીદી ન હતી. ગાંધીજી પરદેશ ભણવા ગયા હતાં ત્યારે કુટુંબે ખર્ચો ન થાય એ માટે કસ્તુરબાએ સાડી ખરીદવાનું માંડી વાળ્યું હતું. (૯.ર)

(3:11 pm IST)