Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રિલાયન્સ કેપીટલ મ્યુ.ફંડ બીઝનેસ છોડશે

અનિલ અંબાણીએ વિદેશી પાર્ટનર નીપોન લાઇફને ૪૩% હિસ્સેદારી ખરીદવા આપ્યું આમંત્રણ

મુંબઇ તા.રરઃ મુશ્કેલીમાં ફસાયેલા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે મ્યુચ્યુઅલના કારોબાર માંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે. ગ્રુપ રિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટમાં પોતાની ભાગીદારી વેચવા જઇ રહયું છે. જો કે ૨૪ લાખ કરોડના દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં તે ઘણી સારી કંપની છે. રિલાયન્સ કેપિટલે આજે કહયું કે તેણે સરખી ભાગીદાર એવી  નિપોન લાઇફ ઇન્સ્યોરન્સને પોતાની ૪૨.૯ ટકાની ભાગીદારી ખરીદવા આમંત્રણ આપ્યું છે. રિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટને સામાન્ય રીતે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે. આ કંપની અનિલ અંબાણી ગ્રુપની સાતે કંપનીઓમાં સૌથી વધુ મુડી ધરાવે છે.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાંથી પોતાની સમુળગી ભાગીદારી વેચવાનો નિર્ણય અનિલ અંબાણી ગ્રુપે એવા સમયે લીધો છે જયારે દેવાનો બોજ અને લેણદારોના દબાણ તેને પરેશાન કરી રહયા છે. હાલના બજાર ભાવ હિસાબે રિલાયન્સ કેપીટલની ભાગીદારી ૪૯૦૮ કરોડની છે, જે કંપની પરના હાલની ૧૮૦૦૦ કરોડના દેવાના ચોથા ભાગથી થોડી વધારે છે. પણ બજારના માહિતગારો જણાવે છે કે, આ સોદાની અસલ કિંમત બહુ વધારે થઇ શકે છે કેમ કે હાલના શેરધારકો દેશની પાંચમા નંબરની મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો વહીવટ સોંપવા માટે ખરીદનાર કંપની પાસેથી મોટા પ્રીમીયમની આશા રાખે છે.

રિલાયન્સ કેપીટલે જેવી આ માહિતી આપી, મુંબઇ સ્ટોક એક્ષચેંજ પર રિલાયન્સ એમએફનો શેર દોડવા લાગ્યો અને સર્કીટ લાગતા પહેલા ર૦ ટકા વધીને ૧૮૭ રૂપિયા સુધી પહોંચી ગયો. જેના લીધે કંપનીની હેસીયત ૧૧૪૪૭ કરોડ રૂપિયા સુધી થઇ ગઇ. નવેમ્બર ૨૦૧૭માં રિલાયન્સ એમએફની કિંમત ૧૫૪૨૨ કરોડ ગણવામાં આવી હતી. જો આ સોદો ફાઇનલ થશે તો રિલાયન્સ એફએફમાં નિપ્પોન લાઇફનો હિસ્સો ૮૫.૭૬ ટકા થઇ જશે. સેબીના નિયમો અનુસાર તેણે તેને ૭૫ ટકા પર લાવવી પડશે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની નજરો રિલાયન્સ કેપીટલની ભાગીદારી ખરીદવા માટે નિપ્પોન લાઇફની ઉત્સુકતા અને તેના દ્વારા બોલાનાર બોલી પર લાગેલી છે.(૧.૨૨)

 

(2:52 pm IST)