Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

નેત્ર રક્ષા-માનવતાનું મહત્વનું કેન્દ્ર વિરનગર

મહામુલુ રતન નેત્ર

આંખ - નેત્ર,

માનવીનું મહામુલુ રત્ન,

દ્રષ્ટિ-તેજસ્વીતા દીપાવે.

 

તેના વિના બધે જ અંધકાર...અંધકાર...

આંખની પૂરેપુરી કાળજી એટલે માનવીના રતનની સંભાળ

પોષણક્ષમ આહાર અને વિટામીનના અભાવે અંધાપો આપે.

 

માનવીને મોટી ઉંમરે મોતીયો, જામર અન્ય દર્દો વગેરેની તકલીફ થાય, આવા બધા કારણોને લીધે દેશમાં ૧પ થી ૧૭ લાખ આંખોને અંધાપો આવતો હોવાનો અંદાજ છે.

મહામુલા નેત્રોનું જતન કરીએ તો જીવનમાં આવનારા અંધકારને અટકાવી શકાય અને આ દિશામાં સેવાભાવી સંસ્થાઓ, નિષ્ઠાવાન કાર્યકરો, કામગીરી કરીને લોક જાગૃતિ કેળવવાના આવકાર દાયક પ્રયાસ કરે છે.

આવી એક સંસ્થા છે, નેત્ર રક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ, શિવાનંદ મિશન, અને દિવ્ય જીવન સંઘ આ ત્રણેય સંસ્થાઓ એકી સાથે કામ કરે છે. તેમજ સંસ્થાનું મુખ્ય મથક એક નાનકડા ગામમાં છે.

ઔદ્યોગીક, વ્યાપારી, શૈક્ષણીક, સામાજિક, સાંસ્કૃતિક એમ અનેક વિધ પ્રવૃતિઓથી ધમધમતા સૌરાષ્ટ્રના પાટનગર સમા મુખ્ય શહેર રાજકોટ થી પચાસેક કિલો મીટર દૂર...વિરનગર... એક નાનકડુ, ગોકુળીયુ ગામ, છેલ્લા કેટલાય દસકાઓથી સેવા, સદ્ભાવના અને માનવતાનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે. લગભગ સીત્તેર વર્ષથી વિરનગર આંખની હોસ્પિટલ કાર્યરત છે અને માનવ સેવાનું ઉમદા કાર્ય કરે છે.

વિરનગરની જાણીતી આંખની હોસ્પિટલમાં વર્ષોથી દૂર સુદૂરના ગામડાઓમાંથી આંખના દર્દીઓ આવે છે. અહીં દર્દીઓને આંખની સારવાર અપાય છે. આંખના ઓપરેશન પણ થાય છે.

આ સંસ્થાના પ્રારંભથી જ જેમણે માનવ સેવાનો યજ્ઞ ચાલુ કર્યો અને તેમના જીવનના અંત સુધી તેઓ આ સેવા કાર્યમાં રત રહ્યા એવા ડો. શિવાનંદ અધ્વર્યુનું એક માત્ર મિશન હતું... નેત્ર રક્ષા...!

તેમણે પોતાના જીવન કાળ દરમ્યાન ત્રણ લાખથી વધુ માણસોના આંખના ઓપરેશન કર્યા તો દેશભરમાં વિવિધ સ્થળોએ અગીયારસોથી વધુ નેત્ર યજ્ઞો  પૂરા કર્યા.

તેમણે નેત્ર યજ્ઞની શરૂઆત ૧૯૪૮ ની સાલથી કરી હતી. સૌ પ્રથમ નેત્ર યજ્ઞ ધંધુકા પાસે વીરવાળા ઘેલાશામાં તા. ૧૯ નવેમ્બર ૧૯૪૮ ના દિને કર્યો હતો. આપણા ભારત દેશમાં નેત્ર યજ્ઞની શરૂઆત ૧૯૦ર ની સાલથી થઇ હતી.

ચાર એકરમાં પથરાયેલા આ તબિબિ સંકુલમાં રપ૦ દર્દીઓ માટેની વ્યવસ્થા ઉપરાંત દવા, ચશ્મા, ઓપરેશન, વગેરે બધું જ વિના મુલ્યે કરવાનું આયોજન છે વિરનગરની હોસ્પિટલમાં દર્દીઓને લાવી જરૂરીયાત વાળા દર્દીને દવા સારવાર અપાય છે. પછી પરત મોકલાય છે.

નેત્ર રક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ, વાંકાનેર, સાવરકુંડલા, શિહોર, ઉના વગેરે સ્થળોએ આંખની હોસ્પિટલ શરૂ કરાઇ હતી.

સેવાના તિર્થસમા વિરનગરની સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલનું મોબાઇલ યુનિટ સૌરાષ્ટ્ર - ગુજરાતના દૂરના ગામડામાં જઇ નેત્ર નિદાન કેમ્પ કરે છે.

નેત્ર રક્ષા ટ્રસ્ટ તો માત્ર આંખને લગતી સંસ્થા હતી. અન્ય સેવાકિય કાર્યો માટે શિવાનંદ મિશનનો પ્રારંભ કરાયો. અને આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન જેવી ગ્રામોધ્ધારની પ્રવૃતિઓ આ મિશન દ્વારા આવરી લેવાઇ.

ઘડીયાળના કાંટાની જેમ સંસ્થાના દર્દીઓ અને માવ સેવા માટે કાર્યરત રહેલાં ડો. શિવાનંદ અધ્વર્યુને એ સમયે લોકો સંત સમા માનતા હતાં. તેમને રાજકોટના શ્રી પ્રાણલાલભાઇ મહેતા અને અન્ય સેવાભાવી મહાનુભાવોનો સાથ મળ્યો હતો. માનવ  સેવા અને પ્રભુ સેવાના ઉત્કૃષ્ટ ધ્યેય સાથે કાર્ય કરતી આ સંસ્થા અને તેના સેવાભાવી કાર્યકરોને લીધે આજ સુધીમાં લાખો દર્દીઓને નવી દ્રષ્ટિ મળી છે, અને આવા દર્દીઓ માટે આંખનું તેજ એક નવી રોશની બની ઉભરી રહ્યું છે.

સ્વામી શિવાનંદજી કહેતા '' દર્દી અને દરિદ્રની સેવા કરો'' જેને સેવાની જરૂર છે તેની ચાકરી કરો  તે દુઃખમાં હોય કે વિપતીમાં હોય ત્યારે સેવા કરો. પક્ષી અને પ્રાણીની સેવા કરો''   દયા, સ્નેહ અને સહાનુભુતિથી સેવા કરો, સેવા એજ પ્રભુ સેવા છે. બીજાની સેવા કરીને તમે ઇશ્વરની સેવા પામો છો આ એક સર્વોતમ ધર્મ છે.

વિરનગરની આ હોસ્પિટલના ચીફ મેડીકલ ઓફીસર તરીકે ડો. સી.એલ. વર્મા વર્ષોથી આ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. અહીં ૧૯૭૦ ની સાલથી ચક્ષુ બેંકની શરૂઆત થઇ છે. કોર્નીયલ ગ્રાફટીંગ (કીકી) બદલવાના ઓપરેશન થાય છે. અત્યાર સુધીમાં લાખો દર્દીઓને તપાસીને સારવાર અપાઇ છે. આંખના ઓપરેશનો થયા છે.

તો વળી કાશ્મીરથી કન્યાકુમારી અને સમગ્ર સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં પણ અનેક નેત્ર યજ્ઞો યોજીને આંખના દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

વીરચંદ શાહની પ્રેરણાથી ૧૯૩૩ માં શરૂ થયેલ ગ્રામ સુધારણા સમિતી સોૈરાષ્ટ્ર સેન્ટ્રલ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને દિવ્યજીવન સંઘના અધ્યક્ષ સ્વામી ચિદાનંદજીની પ્રેરણાથી ૧૯૯૧ માં સ્થપાયેલી શિવાનંદ મિશન બંને એક થઇ અને શૈક્ષણિક તથા મેડિકલ ક્ષેત્રે કાર્ય શરૂ થયું અને તેમાં સંસ્થાના શિલ્પી એવા ડો. શિવાનંદ અધ્વર્યુનો સુભગ સમન્વય થયોે અને આ માનવ સેવાની પ્રવૃતિને વેગ મળ્યો.

નેત્ર એક યંત્ર સમાન છે તેની સંભાળ આપણે રાખવી પડે.

કોઇપણ કામ કરતા હોઇએ એકાદ કલાક પછી બે કે ચાર મીનીટ માટે આંખો બંધ કરો, આથી તમારો થાક ઉતરી જશે.

 જયારે કોઇ વસ્તુ આંખ નજીક આવે છે ત્યારે તેને જોવામાં આંખને મહેનત પડે છે. આથી ૧૦  થી ૧૨ ઇંચ થી વધારે નજીક કોઇ વસ્તુ જોવાનો પ્રયાસ કરવો નહીં.

વાંચન માટે પણ ૧૨ થી ૧૬ ઇંચનું અંતર રાખવું. ચાલુ વાહનમાં વાંચનની ટેવ સારી નથી એ હાનીકર્તા છે. આંખો જલ્દી થાકી જાય અને નબળી પડે. વાંચતી વખતે પ્રકાશની જરૂર પડે તો એવી રીતે રાખવો આંખ પર પડે નહીં, પુસ્તક પર પડે.

તેજસ્વી  પ્રકાશ જેમ કે કારખાનામાં વેલ્ડીંગ વગેરેની કામગીરી જોવાથી આંખ બગડે છે.

આંખની સંભાળ માટે

 લીલા  રંગના શાકભાજી જેવા કે પાલક, સ્પીનાક પાન,  ફળો, પોપૈયુ, કેરી, ગાજર, વગેરે ખાવા જોઇએ. એ બધામાં વિટામીન ''એ'' સારી માત્રામાં હોય છે, તેનાથી  આંધળાપણું   દુર થાય  છે. પોષણયુકત  આહાર આંખની તકલીફ ઘટાડે છે. આંખને હંમેશા સ્વચ્છ અને ઠંડા પાણીથી  ધોવાની ટેવ પાડવી. દિવસનું અજવાળુ  કૃત્રીમ પ્રકાશ કરતાં  વધુ શરૂ, ખુલ્લી હવામાં ફરી, કસરત કરી પોષ્ટીક આહાર ખાઇને શરીરને નિરોગી રાખવામાં માનવીના મહામુલ્ય રતન સમા  નેત્ર સારા રહે છે.

માનવ જીવન માટે સારી દ્રષ્ટિ અતિ આવશ્યક  છે. જ્ઞાન  પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન નેત્ર  છે, જ્ઞાન પ્રાપ્તિનો આધાર સારી  દ્રષ્ટિ પર અવલંબે છે, નબળી દ્રષ્ટી હોય તો વિકાસ રૃંધાય છે, માટે બાળકો મોબાઇલ, લેપટોપ , કોમ્પ્યુટર, આઇપેડ, ટી.વી. જેવા આધુનિક સાધનોનો શકય એટલો ઓછો ઉપયોગ કરે તો નાનપણથી બાળકની આંખ બગડતી અટકાવી શકાય. (પ-૧૧)

 

 

(12:27 pm IST)