Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

બંધ નહીં થાય માથાનો દુખાવો દૂર કરતી સેરિડોન

નવી દિલ્હી તા. ૨૨ : દવા બનાવતી કંપની પીરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા ગુરૂવારે જણાવવામાં આવ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે માથાના દુખાવા માટે મોટા પ્રમાણમાં વપરાતી સેરિડોનને પ્રતિબંધિત દવાઓના લિસ્ટમાંથી બહાર કરી દીધી છે. કંપનીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે સેરિડોનના પક્ષમાં નિર્ણય આપ્યો છે.

કંપનીએ કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૧૮માં જ પિરામલની સેરિડોન પર પ્રતિબંધ મુકવા પર સ્ટે આપી દીધો હતો. જેથે કંપનીને FDCના વિનિર્માણ, વિતરણ અને વેચાણ પર યથાવત રાખવાની મંજૂરી મળી છે.' પિરામલ એન્ટરપ્રાઇઝે હ્યું કે, સેરિડોન પાછલા ૫૦ વર્ષથી ભારતની એક હેરિટેજ બ્રાન્ડ રહી છે. જેના પર ગ્રાહક વિશ્વાસ રાખે છે.

કંપનીની કાર્યકારી નિર્દેશક નંદિની પિરામલે કોર્ટના આદેશ અંગે કહ્યું કે, 'અમે સુપ્રીમ કોર્ટના આદેશથી ખુશ છીએ. આ ભારતીય ગ્રાહકો માટે વિશિષ્ટ અને પ્રભાવશાળી ચિકિત્સા સુવિધા પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ઘતાને સાબિત કરે છે. અમને ભરોસો છે કે કાયદો અમારા પક્ષમાં રહેશે.' ઉલ્લેખનીય છે કે સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સેરિડોન સહિત ૩૨૮ FDCને પ્રતિબંધિત કરી દીધી હતી.

પિરામલે કહ્યું કે, 'તેઓ પોતાના હેલ્થકેર પ્રોડકટના પોર્ટફોલિયોને વધારતી રહેશે. કંપની ૨૦૨૦ સુધી દેશની ટોપ ૩ ઓવર ધ કાઉન્ટર પ્રોડકટ કંપનીમાં આવવા માગે છે. કંપનીના મુજબ દેશમાં એનેલજેસિક બજાર ૬૪૫૦ કરોડ રૂપિયાનું છે. તેમાં એનેલજેસિક ટેબલેટનું બજાર ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૨૦૫૦ કરોડ રૂપિયાનું હતું. પિરામલ એન્ટરપ્રાઇઝના ડેટા મુજબ ૧ સેકંડમાં ૩૧ સેરિડોન વેચવામાં આવે છે.' (૨૧.૫)

(10:31 am IST)