Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ર૪મીએ અઢી કરોડ ખેડૂતોને મળી જશે પૈસા

સૌથી વધુ લાભાર્થી યુપી- મહારાષ્ટ્ર- ગુજરાત- તામિલનાડુના ખેડૂતો

નવી દિલ્હી તા.રરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૪ ફેબ્રુઆરીએ ગોરખપુરથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન યોજનાની શરૂઆત કરી શકે છે. અને પહેલા જ દિવસે લગભગ ૨.૪ કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતામાં પહેલા હપ્તા રૂપે ર૦૦૦ ટ્રાન્સફર થવાની શકયતા છે. આ સંખ્યામાં વધારો પણ થઇ શકે છે. કેમકે રાજ્ય સરકારો રોજના લગભગ ૫૦થી ૬૦ લાખ લાભાર્થીઓના નામ પી એમ કિસાન પોર્ટલમાં ઉમેરી રહી છે. અધિકારીઓનું કહેવું હતું કે બુધવારે સાંજ સુધીમાં રાજ્યોએ પી એમ કિસાન પોર્ટલ પર ર.૬ કરોડ ખેડૂતોની માહિતી આપી દીધી હતી. આમાંથી પહેલા ચરણના વેરીફીકેશન પછી લગભગ ૨૦ લાખ ખેડૂતોની માહિતી રદ્દ કરી દેવાઇ છે. જેનું કારણ જમીનના ખોટા દસ્તાવેજ, બેંક ખાતાઓ ન જોડાયેલ હોવા અને ખોટા આઇએફએસી કોડ વગેરે છે.

જે ખેડૂતોની માહિતી રદ્દ કરાઇ છે તેઓ પોતાની માહિતી બરાબર કર્યા પછી ફરીથી અરજી કરી શકે છે. અધિકારીઓનું કહેવું છ ેકે જો ર૪ ફેબ્રુઆરી સુધીમાં લાભાર્થીઓની સંખ્યામાં ભારે વધારો નહી થાય તો યોજના શરૂ થવાના થોડા દિવસમાં લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઇ જશે. આ યોજના માટે નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જે ર.૪ કરોડ ખેડૂતોની માહિતી પીએમ કિસાન પોર્ટલ પર વેરીફાય થઇ ગયેલ છે તેમાંથી મોટા ભાગના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુના છે. આ રાજ્યોએ લાભાર્થીઓના ડેટા અપલોડ કરવામાં બહુ સક્રિયતા દર્શાવી છે.

કૃષિપ્રધાન રાધામોહન સિંહે કહ્યું, '' અમારૂ અનુમાન છે કે ૩૧ માર્ચ સુધીમાં લગભગ ૧૦ કરોડ ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો પહેલો હપ્યો મળી જવો જોઇએ. ખાસ રીતે તૈયાર કરાયેલ પીએમ કિસાનની વેબસાઇટમાં લાભાર્થીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.'' તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળે હજી સુધી પોતાના ખેડૂતોના ડેટા અપલોડ કરવામાં કોઇ તત્પરતા નથી દેખાડી. આ બધા રાજ્યોમાં બિનભાજપા સરકારો છે. અને તેમણે ખેડૂતો માટે હાલમાં પોતાની યોજનાઓ શરૂ કરી છે.(૧.૫)

(10:24 am IST)