Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વ્હેલો બદલો લ્યો નહિતર પ્રજા કદી માફ નહિ કરે

પાકિસ્તાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીમાં વિલંબથી કેન્દ્રીય પ્રધાનો ચિંતિતઃ હવે હથોડો નહિ મારીએ તો ચૂંટણીમાં રાજકીય કિંમત ચુકવવી પડશેઃ દેશમાં પાક. વિરૂદ્ધ આક્રોશની લહેર છેઃ જલ્દી નહિ પગલુ લેવાય તો પ્રજા હતાશ થઇ જશેઃ વિપક્ષોને તક મળી જશેઃ કેબિનેટમાં મોદીની હાજરીમાં કેટલાક પ્રધાનોએ બળાપા કાઢયા

નવી દિલ્હી તા.રરઃ પુલવામા બાબતે વડાપ્રધાન મોદીને કઠેડામાં ઉભા કરવાની કોશિષ કોંગ્રેસે ગુરૂવારે ભલે કરી હોય પણ સત્તાધારી પક્ષ અને તેના સહયોગી પક્ષોને તેની આશંકા પહેલાથી જ હતી. મંગળવારે આયોજીત કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં પણ વડાપ્રધાનની હાજરીમાં કેટલાક પ્રધાનોએ ચિંતા દર્શાવી હતી કે જો પાકિસ્તાન સામે જલ્દીથી બદલો લેવામાં નહી આવે તો આગામી ચૂંટણીમાં તેની ભારે કિંમત ચુકવવી પડશે.

ભાજપા નેતાઓનું માનવું છે કે આખા દેશમાં પાકિસ્તાન સામે આક્રોશ છે. ખુદ વડાપ્રધાને પોતાના ભાષણોમાં પોતાની અંદર એવી જ ગુસ્સાની આગની વાત કરી જેવી લોકોના દિલમાં છે. સાથે જ તેમણે કહયું કે શહીદો માટે વહી રહેલા એક એક આંસુનો બદલો લેવામાં આવશે. પણ કેટલાક વરિષ્ઠ પ્રધાનોએ પ્રધાનમંડળની બેઠકમાં શંકા દર્શાવી કે જો જલ્દી આ બાબતે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ ગુસ્સો હતાશામાં પણ ફેરવાઇ શકે છે.

ભાજપાના પ્રધાનોએ પણ સ્વીકાર્યું કે અત્યારે તો કોંગ્રેસ સહિત બધા વિરોધપક્ષો ચુપ છે પણ ચૂંટણી નજીક આવતા જ તેઓ સરકાર પર હુમલો કરશે, તેઓ પુછશે કે આ સરકારના ઇન્ટેલીજન્સ નેટવર્કની નિષ્ફળતાનું પરીણામ છે? આટલા મોટા પ્રમાણમાં આરડીએક્ષ જેવા વિસ્ફોટકો આતંકવાદીઓ સુધી કેવી રીતે પહોંચ્યા? અને વર્ષ દરમ્યાન આટલી મોટી સંખ્યામાં આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં મારી નાખ્યા પછી પણ સરકાર આતંકવાદ પર કંટ્રોલ કેમ ન કરી શકી?

પ્રધાનોનું કહેવું છે કે પાકિસ્તાન પર હુમલો કરવો અથવા પુલવામા હુમલાના માસ્ટર માઇંડ મસુદ અઝહરને તેના દરમાં જ મરી નાખવો સહેલો નથી. પાકિસ્તાન પહેલાથી જ હાઇ એલર્ટ પર છે અને તે પરમાણુ હથિયારો ધરાવે છે. ત્યાંની સરકાર તો લોકોએ ચૂંટી છે પણ ત્યાં સેના જ સર્વોપરી છે. એટલે સરકારે દરેક ડગલું ફુંકી ફુંકીને મુકવું પડશે. પણ ચૂંટણીઓ આવી રહી હોવાથી સમયનું બહુ મહત્વ છે.

પ્રધાનમંડળની બેઠકમાં બધા પ્રધાનોએ એક સુરે વડાપ્રધાન મોદીની નેતાગીરીમાં વિશ્વાસ વ્યકત કરીને પાકિસ્તાન વિરૂદ્ધ કોઇપણ નિર્ણય તેમના પર છોડયો હતો. બધાનું કહેવું હતું કે વર્તમાન સમયમાં મોદી સોૈથી ભરોસા પાત્ર નેતા છે અને તેમની વાકચાતુર્યને તો વિરોધીઓ પણ માને છે.

બે દિવસ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પુલવામા હુમલા પર રાજકારણ ખેલવા માટે વડા પ્રધાન મોદી અને અમિત શાહની ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે વિરોધ પક્ષોના નેતાઓ આ મામલે સરકારને સાથ આપવા મોૈન છે જયારે મોદી અને શાહ રોજે રોજ પુલવામા પર લોકોને ઉશ્કરે રહયા છે.(૧.૩)

 

(10:22 am IST)