Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

૧૩ વર્ષના સ્ટુડન્ટે ફેસબુક પર ટીચર અને તેની દિકરીને બળાત્કાર કરવાની ધમકી આપી

ગુડગાંવની સ્કુલની ઘટના, બીજા એક સ્ટુડન્ટે બીજી ટીચરને સેકસની ઓફર કરી

નવી દિલ્હી, તા. ૨૨ : ગુડગાંવની સ્કુલમાં સાતમા ધોરણમાં ભણતા સ્ટુડન્ટે સોશ્યલ મીડીયા પર એક ટીચર અને તેની સગીર વયની દિકરીને બળાત્કાર કરવાની ધમકી આપીને એ શિક્ષણ સંસ્થાના વહીવટી તંત્રને મંૂઝવણમાં મૂકી દીધુ છે. ચોક્કસ સ્કુલના સ્ટુડન્ટના ગુનાહિત વર્તનનો આ એકલદોકલ કિસ્સો નથી. અગાઉ એ સ્કુલના ટીનેજર સ્ટુડન્ટે ઈ-મેઈલ દ્વારા તેની ટીચરને સહેલગાહે લઈ જવા સાથે કેન્ડલ - લાઈટ ડેટ અને સેકસની ઓફર કરી હતી. બંને બનાવો એક જ અઠવાડીયામાં બન્યા હતા.

સ્ટુડન્ટે ફેસબુક પર લખેલી પોસ્ટની બીભત્સતા વાંચીને ટીચરના પરીવારને આઘાત લાગ્યો હતો. ટીચર તો આઘાતમાંથી બહાર આવીને સ્કુલમાં જવા માંડ્યા છે. પરંતુ તે ટીચરની દિકરીને માનસિક આઘાત લાગતા તેણે પોસ્ટ વાંચ્યાના દિવસથી અત્યાર સુધી કલાસમાં હાજરી આપી નથી. સંબંધિત ટીચર્સની ફરીયાદોને પગલે સ્કુલના અધિકારીઓએ ઘટનાઓની તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની ગંભીરતાની નોંધ લઈને ડિસ્ટ્રીકટ ચાઈલ્ડ વેલફેર કમીટીએ સ્કુલને નોટીસ મોકલવા ઉપરાંત સ્ટુડન્ટ્સ અને સ્કુલના સત્તાવાળાઓ માટે કાઉન્સેલીંગ સેશન્સ યોજવાનો નિર્ણય લીધો છે. જો કે ગુડગાંવ પોલીસે આવી ઘટનાઓની જાણકારી મળી હોવાનું સ્વીકારતા બદતમીજીનો ભોગ બનેલી વ્યકિતઓ તરફથી ફરીયાદ મળી ન હોવાનું જણાવ્યુ હતું.

(12:47 pm IST)