Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પતિને છૂટાછેડા આપ્યા વિના પત્ની પરપુરૂષ સાથે લીવ-ઈનમાં રહી શકે?

લિવ ઇન રિલેશનશીપ અંગે અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ફેંસલો : પતિને ડિવોર્સ આપ્યા વિના પરપુરૂષ સાથે પત્નીની જેમ રહેતી મહિલાએ હાઈકોર્ટમાં રીટ કરીને કાયદાકીય રક્ષણ માગ્યું

પ્રયાગરાજ તા. ૨૨ : ઘણીવાર પતિ કે પત્ની એકબીજાને કાયદેસરના છૂટાછેડા આપ્યા વિના જ બીજા કોઈ સાથે લીવ-ઈનમાં રહેવા લાગતા હોય છે. પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ શું આમ કરી શકાય ખરું? અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે પરિણિત મહિલા પતિને ડિવોર્સ આપ્યા વિના બીજા કોઈ પુરુષ સાથે લીવ-ઈનમાં રહેવાના નામે કોઈ પ્રકારનું કાયદાકીય રક્ષણ મેળવવાને હકદાર નથી.

આ કેસની વિગત એવી છે કે, આશા દેવી નામની મહિલાએ પોતાના પતિને ડિવોર્સ આપ્યા વિના જ સુરજ કુમાર નામના શખ્સ સાથે રહેવાનું શરુ કરી દીધું હતું. તેણે હાઈકોર્ટમાં રીટ કરીને એવી માગ કરી હતી કે તે પુખ્ત છે, અને પોતાની મરજીથી કોઈ વ્યકિત સાથે રહે છે. તેમની વચ્ચે ભલે કાયદાકીય રીતે લગ્ન ના થયા હોય, પરંતુ બંને પતિ-પત્નીની જેમ રહે છે, જેથી તેમના સંબંધમાં દખલ દેવાનો કોઈને હક્ક નથી. આ જ ડિમાન્ડ સાથે અરજકર્તાએ કોર્ટ સમક્ષ કાયદાકીય રક્ષણ માગ્યું હતું.

જોકે, આશા દેવીની રીટને ફગાવી દેતા જસ્ટિસ સૂર્ય પ્રકાશ કેસરવાની અને ડો. યોગેન્દ્ર કુમાર શ્રીવાસ્તવની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં કપલને કાયદાકીય રીતે કોઈ રક્ષણ આપી શકાય નહીં.

સુનાવણી દરમિયાન આશા દેવી અને સુરજ કુમારની માગનો વિરોધ કરતાં સામા પક્ષના વકીલે દલીલ કરી હતી કે મહિલાના તેમના અસીલ મહેશ ચંદ્ર સાથે કાયદેસરના લગ્ન થયા છે, તેમ છતાંય તે તેમને ડિવોર્સ આપ્યા વિના બીજા શખ્સ સાથે રહે છે. આમ કરવું આઈપીસીની કલમ ૪૯૪ (જીવનસાથીના જીવતાજીવ તેને ડિવોર્સ આપ્યા વિના બીજા લગ્ન કરવા) અને કલમ ૪૯૫ હેઠળ ગુનો બને છે.

બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે જણાવ્યું હતું ક આ કેસમાં આશા દેવી અને સુરજ કુમાર વચ્ચેના સંબંધો લીવ-ઈન રિલેશનશીપની વ્યાખ્યામાં નથી આવતા. અરજકર્તાઓએ પોતે પતિ-પત્નીની જેમ જ રહે છે અને તેમના સંબંધમાં બીજા કોઈ દખલ ના આપે તે માટે કાયદાકીય રક્ષણ માગ્યું છે. જો તેમને આ કાયદાકીય રક્ષણ અપાય તો તે કલમ ૪૯૪/૪૯૫ હેઠળ કરાયેલા ગુના સામેનું રક્ષણ કહેવાશે.

કોર્ટે જણાવ્યું હતું કે તે કાયદાની વિરુદ્ઘમાં જઈને કોઈ પ્રકારનું રક્ષણ પ્રદાન કરી શકે નહીં. અરજકર્તા કાયદાકીય રક્ષણ નથી ધરાવતા, અને તેઓ કોર્ટ સમક્ષ આ અંગેની માગ પણ કરી શકે નહીં.

(10:17 am IST)