Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સરહદે તણાવને પગલે ચીનથી આવતું કેમિકલ મોંઘુ થયું

આર્સેનિક એસિડ, તોલ્યુને, ઝાયલિન, હેકસ, IPA તેમજ મિથેનોલની આયાત વધુ : ચીનથી આયાત કરાતા કેમિકલના ભાવમાં ૫૦ ટકા સુધીનો વધારો

નવી દિલ્હી તા. ૨૨ : ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. જેની અસર ભારતમાં ચીનથી આયાત થતી ચીજોના ભાવ પણ થઇ રહી છે. ચીનથી આવતા કેમિકલ સહિતના રો મટિરિયલના ભાવમાં ૫૦ ટકા સુધીનો વધારો થયો છે. જેની અસર આગામી ટુંક સમયમાં કેમીકલ માર્કેટમાં જોવા મળે તો નવાઇ નહીં.

વડોદરા તેમજ આસપાસના મધ્ય ગુજરાતના ૯ જિલ્લામાં કેમીકલ એકસપોર્ટ ખુબ જ વધારે છે. ત્યારે દેશના કેમીકલ સેકટરમાં પણ વડોદરા સહિત મધ્ય ગુજરાતનો હિસ્સો ઘણો મોટો છે. ત્યારે ચીન સાથેના સીમા વિવાદના કારણે કેમીકલ ઉદ્યોગના ચીનથી આવતા રો મટિરિયલના ભાવમાં ૫૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા તમેજ ભરૂચ, ઝઘડિયા, દહેજ સહિત આસપાસના મધ્ય ગુજરાતના જિલ્લામાં મોટી સંખ્યામાં કેમીકલ ઇન્ડસ્ટ્રી આવેલી છે. જેમાં આર્સેનીક એસીડ, તોલ્યુને, ઝાયલીન, હેકસઅને, આઇપીએ તેમજ મેથોનોલ જેવા કેમીકલનો વપરાશ રો મટિરિયલ તરીકે થાય છે. જેના ઉપયોગથી અન્ય જરૂરી કેમીકલ બનાવવામાં આવે છે.

તમામ કેમીકલની આયાત ચીનથી કરવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલા સીમા વિવાદના કારણે ચીન દ્વારા તેના કેમીકલના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જે વધારો ૩૦ ટકાથી લઇ ૫૦ ટકા જેટલો છે.

એમએસએમઇ ફોરમના ચેરમેન કશ્યપ શાહે જણાવ્યું હતું કે, ભારતના ચીન સાથેના સીમા વિવાદની અસર કેમીકલ ઉદ્યોગો પર પડી રહી છે. ચીનથી આવતા કેમીકલના રો મટિરિયલનો ભાવ વધારી દેવામાં આવ્યો છે. તેમજ ચીનમાં પ્રોડકશન પણ ઘટયું છે. જેની અસર પણ ભાવ પર થઇ રહી છે. જેના પગલે કેમીકલ ઉદ્યોગો માટે જરૂરી રો મટિરિયલ ચીનથી ખુબ જ મોંઘુ આવી રહ્યું છે. જેની અસર આવનારા સમયમાં કેમીકલ ઉદ્યોગો પર જોવા મળશે.

કયા કેમિકલનો ભાવ કેટલો વધ્યો

કેમિકલ

જૂનો ભાવ

નવો ભાવ

તફાવત

આર્સેનીકએસીડ

૩૦

૬૦

+૩૦

તોલ્યુને

૩૫

૫૦

+૧૫

ઝાયલીન

૩૫

૫૦

+૧૫

હેકસઅને

૫૨

૬૬

+૧૪

આઇપીએ

૬૦

૧૦૦

+૪૦

મિથેનોલ

૧૮

૩૨

+૧૪

નોંધ : કેમીકલના ભાવ પ્રતિ કિલોના છે.

(10:03 am IST)