Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

કર્ણાટકમાં ડાઈનેમાઈટ બ્લાસ્ટઃ ૧૫ના મોતઃ રસ્તા ઉપર તિરાડોઃ ઘરો-દુકાનોના કાચ તૂટયાઃ ધરતી ધ્રુજી ઉઠી

બેંગ્લોરથી ૩૫૦ કિ.મી. દૂર શિવમોગામાં જીલેટીન લઈ જઈ રહેલ ટ્રકમાં થયો ભયાનક ધડાકો

બેંગ્લોર, તા. ૨૨ :. કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે વિસ્ફોટક ભરેલા એક ટ્રકમાં ભયાનક ધડાકો થતા ૧૫ લોકોના મોત થયા છે. આ ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના અનેક વિસ્તારોના ઘરો અને ઓફિસોના કાચ તૂટી ગયા હતા. એટલુ જ નહિ રસ્તામાં પણ તિરાડો પડી ગઈ હતી. શિવમોગા બેંગ્લોરથી ૩૫૦ કિ.મી. દૂર છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાને શોક વ્યકત કર્યો છે.

અત્યાર સુધી મળેલા અહેવાલો અનુસાર વિસ્ફોટ શિવમોગાના હુનાસોડુ ગામે થયો હતો. આ શકિતશાળી વિસ્ફોટક પદાર્થ જીલેટીન હોવાનું કહેવાય છે અને તે ખોદકામ માટે લઈ જવાતો હતો. પથ્થર તોડવા માટેના એક સ્થળે રાત્રે ૧૦.૩૦ કલાકે ધડાકો થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના મકાનો અને ઓફિસોની બારીઓના કાચ તૂટી ગયા અને રસ્તા ઉપર તિરાડો પડી ગઈ હતી.

આ ધડાકાને કારણે લોકોને લાગ્યુ કે ભૂકંપ આવી ગયુ છે. ધરતી રીતસરની ધ્રુજી ઉઠી હતી. અનેક દુકાનોના કાચ પણ તૂટી ગયા હતા. લોકો ભયના માર્યા પોતાના ઘરોની બહાર નિકળી ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રકમાં મજુરો બેઠેલા હતા ત્યારે ધડાકો થયો હતો.

(10:19 am IST)