Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોતની સજા પામેલા દોષિતોને સાત દિવસમાં જ ફાંસીની સજા થવી જોઈએ : કેન્દ્રની SCમાં અરજી

નિર્ભયા કેસમાં દોષિતોએ કરેલી ફેરવિચારણા અરજી, સુધારાત્મક અરજી અને દયા અરજી દાખલ કરવાને કારણે વિલંબનો કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે, મોતની સજા પામેલા દોષિતોને સાત દિવસમાં જ ફાંસીની સજા થવી જોઈએ. જેને લઈ ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. 2012માં નિર્ભયા કેસમાં દોષિતોએ કરેલી ફેરવિચારણા અરજી, સુધારાત્મક અરજી અને દયા અરજી દાખલ કરવાના કારણે વિલંબ થત હોવાની વાત કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી છે.

   ગૃહ મંત્રાલયે આ અરજીમાં કોર્ટમાં અનુરોધ કર્યો છે કે, મોતની સજા પામેલા દોષિતોની ફેર વિચારણા અરજી રદ થયા બાદ સુધારાત્મક અરજી દાખલ કરવાની સમયસીમાં નક્કી કરવામાં આવે. સરકારે એ આદેશ આપવાની વાત પણ કરી છે કે, મોતની સજા પામેલા દોષિતની દયા અરજી દાખલ કરવા માગે છે તો ફાંસી આપવા સંબંધિત કોર્ટનું વોરંટ મળ્યાની તારીખના સાત દિવસમાં આ અરજી દાખલ કરવાનું ફરજિયાત કરવામાં આવે.

  ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, તમામ કોર્ટ, રાજ્ય સરકારો અને જેલ અધિકારીઓ માટે આ ફરજિયાત કરવું જોઈએ કે, દોષિતોની દયા અરજી અસ્વિકાર થયા બાદ સાત દિવસમાં જ તેને ફાંસીએ લટકાવવામાં આવે.

(9:28 pm IST)