Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સરકારે ભારતીય એરટેલમાં સીધુ વિદેશી રોકાણ ૪૯ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવા મંજૂરી આપી દીધીઃ વિદેશી રોકાણને ૭૪ ટકા સુધી ભાગીદારી રાખવાની મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે ભારતી એરટેલમાં સીધું વિદેશી રોકાણ (FDI) 49 ટકાથી વધારીને 100 ટકા કરવાને મંજૂરી આપી દીધી છે. કંપનીએ મંગળવારે શેર બજારને આ જાણકારી આપી છે. ભારતી એરટેલને રિઝર્વ બેન્ક પાસેથી પણ કંપનીમાં વિદેશી રોકાણને 74 ટકા સુધી ભાગીદારી રાખવાની મંજૂરી છે.

શેર બજારને આપવામાં આવેલી સૂચના અનુસાર, 'ભારતી એરટેલ લિમિટેડને ટેલિકોમ ડિપાર્ટમેન્ટથી 20 જાન્યુઆરી 2020ના વિદેશી રોકાણની મર્યાદા વધારીને કંપનીની ચૂકવેલ મૂડીના 100 ટકા સુધી કરવાની મંજૂરી મળી ગઈ છે.' થોડા દિવસ પહેલા કંપનીએ કાનૂની બાકી રૂપિયાના રૂપમાં આશરે 35,586 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. તેમાં 21,682 કરોડ રૂપિયા લાઇસન્સ ચાર્જ અને 13,904.01 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ બાકી છે. તેમાં ટેલીનોર અને ટાટા ટેલીના બાકી સામેલ નથી.

સુનીલ મિત્તલ પરિવાર પાસે છે માલિકી

ભારતી એરટેલે સિંગાપુરની સિંગટેલ અને અન્ય વિદેશી કંપનીઓ પાસેથી 4900 કરોડ રૂપિયાના રોકાણ માટે પાછલા મહિને સરકાર પાસે મંજૂરી માગી હતી. 100 ટકા સુધી એફડીઆઈ મંજૂરી બાદ દેશની સૌથી જૂની ખાનગી ક્ષેત્રની આ દૂરસંચાર કંપની એક વિદેશી એકમ બની શકે છે. રતી ટેલિકોમ, ભારતી એરટેલની પ્રમોટર કંપની છે. 100 ટકા એફડીઆઈ મંજૂરીથી ભારતી ટેલિકોમમાં વિદેશી ભાગીદારી વધીને 50 ટકાથી વધુ થઈ જશે, જેથી તે એક વિદેશી માલિકી વાળું એકમ બની જશે. વર્તમાનમાં સુનીલ ભારતી મિત્તલ અને તેમના પરિવારની ભારતી ટેલિકોમમાં આશરે 52 ટકાની ભાગીદારી છે. ભારતી ટેલિકોમની ભારતી એરટેલમાં આશરે 41 ટકા ભાગીદારી છે.

દૂરસંચાર વિભાગે આ પહેલા વર્ષની શરૂઆતમાં ભારતી એરટેલના સીધા વિદેશી રોકાણની અરજીને નકારી હતી, કારણ કે કંપનીએ વિદેશી રોકાણ વિશે સ્પષ્ટતા કરી નહતી. સૂત્રોએ કહ્યું કે, વર્તમાનમાં ભારતી એરટેલમાં કુલ વિદેશી ભાગીદારી 43 ટકા છે. પ્રમોટર એકમ ભારતી ટેલિકોમના વિદેશી એકમ બની જવાની સાથે કંપની (ભારતી એરટેલ)માં વિદેશી ભાગીદારી બનીને 84 ટકાને પાર થઈ જશે.

(4:33 pm IST)