Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

બજેટના દિવસે રજા હોવા છતાં શેર બજાર ચાલુ રહેશે

બીએસઇ દ્વારા સકર્યુલર જારી કરાયોઃ પ્રથમ વાર શનિવારે બજારમાં ટ્રેડિંગ થશે

નવી દિલ્હી, તા.૨૨: બીએસઇએ સકર્યુલર જારી કરીને જણાવ્યું છે કે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ શનિવાર હોવા છતાં બજેટ રજૂ થવાનું હોવાથી ઘરેલુ શેરબજાર ખુલ્લાં રહેશે અને ટ્રેડિંગ ચાલશે. પ્રથમ વાર એવું બની રહ્યું છે કે જયારે બજેટની રજૂઆતના દિવસે રજા હોવા છતાં ઘરેલુ શેરબજારનું કામકાજ ચાલુ રહેશે. આ અગાઉ તત્કાલીન નાણાપ્રધાન અરૂણ જેટલીએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ શનિવારે બજેટ રજૂ કર્યુ હતું, પરંતુ તે દિવસે શેરબજાર બંધ રહ્યાં હતાં.

૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ને શનિવારે સવારના સાત વાગ્યે લોગ ઇન શરૂ થશે અને નવ વાગ્યા સુધી લોગ ઇન સેશન રહેશે. ત્યારબાદ નવ વાગ્યે પ્રી ઓપન અને સ્પેશિયલ પ્રી ઓપન સેશન આઇપીઓ માટે શરૂ થશે.

દરમિયાન સવારના ૯.૧૫ થી ટ્રેડીંગ શરૂ થશે અને બજાર બપોરના ૩.૩૦ વાગ્યે બંધ થશે. દલાલ સ્ટ્રીટને આ બજેટ અંગે ઘણી અપેક્ષા છે. ખાસ કરીને બજેટમાં ત્રણ સેકટરમાં રાહતની આશા છે, જેમાં વપરાશ વધારવા પર્સનલ ટેકસમાં રાહત, (MSME) સેકટર માટે રાહત અને વિદેશી રોકાણકારોને આકર્ષવાની યોજનાનો સમાવેશ થાય છે.

(4:14 pm IST)