Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોદી સરકાર માટે માઠા સમાચાર

જીડીપી ગ્રોથ રેટ માત્ર ૫.૫ ટકા રહેશે

IMF બાદ હવે ઇન્ડિયા રેટીંગ્સ એન્ડ રિસર્ચે આપ્યો ઝાટકો

નવી દિલ્હી તા. ૨૨ : રેટીંગ એજન્સી ફિચ ઇન્ડિયાએ કહ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતનો જીડીપી વધીને ૫.૫ ટકા રહેવાનો અંદાજ છે અને નકારાત્મક જોખમ બનેલું રહેશે. અગાઉ સરકારની અર્થવ્યવસ્થામાં છવાયેલી સુસ્તીને દુર કરવાના તમામ પ્રયત્નો વચ્ચે ફિચે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિકાસદરને ૪.૬ ટકા રહેવાની સંભાવના વ્યકત કરી હતી. બીજી બાજુ ૨૦૨૦-૨૧ માટે ૫.૬ ટકા અને ૨૦૨૧-૨૨ માટે ૬.૫ ટકાનું અનુમાન લગાવામાં આવ્યું હતું. ૨૦૧૮-૧૯માં વિકાસ દર ૬.૮ ટકા રહ્યું હતું. એ હિસાબથી જોઇએ તો ફરી તેમાં અંદાજે ૧.૮ ટકાનો ઘટાડો થયો છે. વિશ્વની દરેક રેટીંગ એજન્સીઓ અને આઇએમએફે પણ ભારતના જીડીપીનો અંદાજ ૫.૮ ટકાથી ઘટાડીને ૪.૮ ટકા કરી દીધો છે. ફિચે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિકાસ દરને ૪.૬ ટકા રહેવાની સંભાવના વ્યકત કરી છે. બીજી બાજુ ૨૦૨૦-૨૧ માટે ૫.૬ ટકા અને ૨૦૨૧-૨૨ માટે ૬.૫ ટકાનો અંદાજ વ્યકત કર્યો છે.

આ પહેલા IMFએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯ - ૨૦માં ભારતની જીડીપીમાં ૪..૮ ટકા અને કેન્દ્ર સરકારની નેશનલ સ્ટેટીકસ ઓફીસ (CSO) દ્વારા પાંચ ટકાના વિકાસનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એટલે કે, આવતા વર્ષે પણ તેમાં થોડો વધારો થશે.

ગયા વર્ષે નવેમ્બરમાં ફિચ ગ્રૂપની આ રેટિંગ એજન્સીએ ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી ૫.૬ ટકા વધવાનો અંદાજ લગાવ્યો હતો. એજન્સીનું કહેવું છે કે અગાઉ એવું માનવામાં આવતું હતું કે આવતા નાણાકીય વર્ષમાં થોડો સુધારો થશે, પરંતુ ભારતીય અર્થતંત્ર ઓછા વપરાશ અને રોકાણની ઓછી માંગના ગાળામાં અટવાયું લાગે છે.

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના અર્થશાસ્ત્રી સુનીલ સિંહાએ જણાવ્યું હતું કે 'અમને નાણાકીય વર્ષ ૨૦૨૧માં થોડો સુધારો થવાની અપેક્ષા હતી, પરંતુ તેના પર પણ જોખમ છે. તેનું કારણ એ છે કે ભારતીય અર્થતંત્ર ઓછા વપરાશ અને નબળા માંગના ચક્રમાં અટવાયું લાગે છે.'

જુલાઇ-સપ્ટેમ્બર ૨૦૧૯ના તિમાહી દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને અંદાજે ૪.૫ રહ્યો છે. જે અંદાજે સાડા છ વર્ષના નિચલા સ્તર પર છે એ સતત છ તિમાહી છે. જ્યારે જીડીપીમાં સુસ્તી જોવા મળી છે. તે પહેલા જાન્યુઆરી - માર્ચ ૨૦૧૩ તિમાહીમાં જીડીપી વિકાસ દર ૪.૩ ટકા રહ્યો હતો. બીજી બાજુ એક વર્ષ પહેલાની સમાન અવધિ એટલે કે જુલાઇ - સપ્ટેમ્બર ૨૦૧૮ તિમાહીમાં તે સાત ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ તિમાહીમાં વિકાસ દર પાંચ ટકા રહ્યો હતો.

(3:39 pm IST)