Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દુનિયાના ૪૭ કરોડ લોકો કામધંધા વિના રઝળે છેઃ સામાજીક અશાંતી વધવા ભયઃ યુનો

જીનિવાઃ વિશ્વમાં હાલમાં ૪૭ કરોડથી વધુ લોકો બેકાર છે અથવા તેમને પૂરતું કામ મળી રહ્યું નથી તેમ સંયુકત રાષ્ટ્ર(યુએન)એ જણાવ્યું છે. યુએનએ ચેતવણી આપી છે કે યોગ્ય નોકરીઓની સંખ્યા ઘટતી જશે તો સામાજિક અશાંતિ સર્જાશે.

યુએનના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અનુસાર છેલ્લા દાયકાના મોટા ભાગના સમયમાં બેકારીનો દર સ્થિર રહ્યો છે. ગયા વર્ષે વિશ્વમાં બેકારીનો દર ૫.૪ ટકા હતો. ચાલુ વર્ષે પણ આ દરમાં કોઇ ફેરફાર થવાની શકયતા નથી. એક તરફ સતત વધી રહેલી વસ્તી અને બીજી તરફ અર્થતંત્રમાં મંદીને પગલે ચાલુ વરેષે પણ બેકારોની સંખ્યામાં વૃદ્ઘિ જોવા મળશે.

ચાલુ વર્ષે બેકાર તરીકે નામ નોંધાવનારા લોકોની સંખ્યા વધીને ૧૯.૦૫ કરોડ થઇ જશે. જે ગયા વર્ષે ૧૮.૮ કરોડ હતી. યુએનના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના વાર્ષિક વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલૂક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં ૨૮.૫ કરોડ લોકો એવા છે જેમની પાસે પૂરતું કામ નથી.

આઇએલઓના વડા ગુય રાયડરે જીનિવામાં પત્રકારોને જણાવ્યું હતું કે વિશ્વમાં વધી રહેલી બેકારી ખૂબ જ ચિંતાની વાત છે. તેમણે જણાવ્યું હતું કે જો બેકારીનું પ્રમાણ વધશે તો લેબેનોેન અને ચિલેમાં થઇ રહેલા દેખાવો વિશ્વના અન્ય ભાગોમાં પણ જોવા મળશે.

આઇએલઓના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના ૬૦ ટકા કામદારો અનૌપચારિક અર્થતંત્રમાં કાર્ય કરી રહ્યાં છે. વિશ્વના ૬ કરોડ લોકો એવા છે જે એક દિવસમાં ૩.૨૦ ડોલર થી ઓછી ખરીદી કરે છે. બીજી તરફ આર્થિક અસામનતા અંગે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. ૧૫ થી ૨૪ વર્ષના ૨૬.૭ કરોડ લોકો નોકરી કરી રહ્યાં નથી કે શિક્ષણ મેળવી રહ્યાં નથી.

(3:31 pm IST)