Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

બજેટ ૨૦૨૦-૨૧

ડિવિડન્ડને ઇન્કમમાં જોડવાની જાહેરાત સંભવ

નવી દિલ્હી તા ૨૨  :  સરકાર પહેલી ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટમાં ડિવીડન્ડને આવકમાં જોડવાની જાહેરાત કરી શકે છે. એનો અર્થ એવો થાય કે ડીવીડન્ડને કુલ આવકનો ભાગ ગણી શકાશે. આના બદલે સરકાર કંપનીઓને રાહત આપતા ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ (ડીડીટી) ને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકે છે.

સુત્રોએ જણાવ્યું કે આ વખતના બજેટમાં શેર બજાર સાથે સંકળાયેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાતો થઇ શકે છે, તેમાં ડીડીટીને હટાવવાનું પણ સામેલ થઇ શકે છે. હાલમાં ડીવીડન્ડ પર ટેક્ષ ચુકવવાની જવાબદારી કંપનીઓ પર છે. ડીવીડન્ડ પર ૨૦.૫૫ ટકા ડીડીટી લાગે છે, જેમાં સરચાર્જ, એજયુકેશન સેસ પણ સામેલ છે.

એક ઉચ્ચ અધિકારીએ કહયું કે, સરકાર શેર હોલ્ડરોને મળનાર ડીવીડન્ડને તેની આવક સાથે જોડી શકે છે. જોકે તેમાં ૨૦ ટકાનુંસ્ટાન્ડર્ડ ડીડકશન અપી શકાય છે. દાખલા તરીકે જો કોઇને ૧ લાખ રૂપિયાનું ડીવીડન્ડ મળ્યું હોય તો તેને ૨૦ ટકા સ્ટાન્ડર્ડ ડીડકશન મળશે. બાકીના ૮૦ હજારને તેની આવકમાં જોડવામાં આવશે, જેના પર ઇન્કમ ટેક્ષ લાગુ થશે.

ટેક્ષ નિષ્ણાંત સુશીલ અગ્રવાલનું કહેવું છે કે, જો આવું થાય તો આ એક સારી પરિસ્થિતી થશે. આનાથી સરકારને ફાયદો થશે અને શેરહોલ્ડરને વધારે ડીવીડન્ડ મળશે. ડીડીટી લાગવાના કારણે કંપનીઓને પહેલાથી જ કુલ રકમના ૨૦ ટકા ટેક્ષ તરીકે રાખવા પડતા હતા. જો ડીડીટી નીકળી જાય તો તે પુરી રકમ ડીવીડન્ડ તરીકે આપી શકશે, એટલે શેરહોલ્ડરનોને પહેલાના પ્રમાણમાં વધુ ડીવીડન્ડ મળશે જો કે તે તેની આવકમાં ગણાઇ જશે, પણ તેની અસર નીચલા ટેક્ષ સ્લેબમાં આવનાર લોકોને વધારે નહીં થાય. ઇન્કમ ટેક્ષના ૩૦ ટકાના સ્લેબમાં આવતા લોકોએ તેનાથી થોડુંક નુકશાન જશે.

(11:33 am IST)