Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

એલ એન્ડ ટીએ બાજી મારી

૪૫૦૦૦ કરોડનો સબમરીન પ્રોજેકટ અદાણીને નહિ

નવી દિલ્હી, તા. ૨૨ :. સુરક્ષા મંત્રાલયે નૌસેના માટે ભારતમાં ૬ પારંપરિક સબમરીનોના નિર્માણ સાથે સંકળાયેલી ૫૧ હજાર કરોડ રૂપિયાની પરિયોજના માટે બે ભારતીય અને પાંચ વિદેશી કંપનીઓની પસંદગી કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામા રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)એ ગઈકાલે મઝગાંવ ડોક શીપ બિલ્ડર્સ લીમીટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ને ભારતીય રણનીતિક ભાગીદારો તરીકે ૪૫૦૦૦ કરોડની છ પારંપરિક સબમરીનોના નિર્માણ માટે પસંદ કર્યા છે. ડીએસીના આ નિર્ણયથી અદાણી ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે. નિવિદાના પહેલા તબક્કામાં અદાણી ગ્રુપની પસંદગી નહોતી થઈ પણ મંત્રાલય તરફથી તેને સામેલ કરવાનું દબાણ હતું. અદાણીએ સાર્વજનિક ક્ષેત્રની હિન્દુસ્તાન શિપયાર્ડ લીમીટેડની સાથે ભાગીદારીમાં આ પ્રોજેકટ માટે બોલી લગાવી હતી પણ ભારતીય નૌસેનાના સૂત્રો અનુસાર કંપની અપેક્ષિત માપદંડોમાં ઉણી ઉતરી હતી. અધિકારીક સૂત્રોએ જણાવ્યુ કે પી-૭૫ નામની આ પરિયોજના માટે મજબૂત દાવેદાર મનાતી અદાણી ડીફેન્સ માટેના યોગ્યતા માપદંડોના મૂલ્યાંકન પછી ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા યોગ્ય નહોતી ગણાઈ.

આ મોટી પરિયોજનાને મહત્વાકાંક્ષી રણનીતિક ભાગીદારી મોડલ હેઠળ કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. જેમાં પસંદ થયેલ ખાનગી કંપનીઓને મૂળ ઉપકરણ નિર્માતા (ઓઈએમ)ની સાથે ભાગીદારીમાં ભારતમાં સબમરીન અને લડાયક વિમાનો જેવા સૈન્યના સાધનોમાં ઉતારાઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યુ કે રક્ષા ખરીદ પરિષદ (ડીએએસી) એ સ્વદેશી સ્ત્રોતો પાસેથી ૫૧૦૦ કરોડ રૂપિયાના સૈન્યના સામાનની ખરીદીને પણ મંજુરી આપી છે. આમા સૈન્ય માટે ડીઆરડીઓ દ્વારા ડીઝાઈન અને ભારતીય ઉદ્યોગ દ્વારા સ્થાનિક સ્તર પર નિર્મીત કરાયેલી અતિ આધુનિક ઈલેકટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ પણ સામેલ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં ડીએસીની મીટીંગમાં આ નિર્ણય કરાયા હતા. જેમાં મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ જનરલ બિપિન રાવત અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. પી-૭૫ પરિયોજના માટે પસંદ કરાયેલ પાંચ વિદેશી કંપનીઓમાં થાઈસેનકુપ મરીન સીસ્ટમ્સ (જર્મની), નવંતીયા (સ્પેન) અને નેવલ ગ્રુપ (ફ્રાંસ) પણ સામેલ છે. ભારતીય નૌસેના પાણીમાં પોતાની મારકક્ષમતા વધારવા માટે છ પરમાણુ સબમરીન સહિત ૨૪ નવી સબમરીનો ખરીદવા ઈચ્છે છે.

(10:58 am IST)