Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઉત્તરપ્રદેશમાં બે બાળકોની ઉંમર અનુક્રમે ૧૦૨ અને ૧૦૪

યોગી આદિત્યનાથ પણ ચોંકી ગયા

બરેલી, તા.૨૨: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના વહિવટી તંત્રના પ્રતાપે બે બાળકો વૃદ્ઘ બની ગયા છે. બરેલીમાં રહેતા બે બાળકોની ઉંમર તંત્ર પ્રમાણે ૧૦૦ વર્ષથી પણ વધારે છે.

આ કોઇ મૌખિક વાત નથી પણ તંત્રના અધિકારીઓએ પોતે આ કારનામું કર્યુ છે. જેને લઇને કોર્ટે હવે ફરિયાદના અને તપાસના આદેશ પણ આપ્યા છે. જો કે ઉત્તર પ્રદેશના તંત્ર માટે આ વાત નવી નથી, કેમકે અવાર નવાર તેઓ આવા ગોટાળા માટે જાણીતા છે. બરેલીના બેલા ગામમાં બે વર્ષના સંકેત અને ચાર વર્ષના શુભની ઉંમર જન્મ પ્રમાણપત્ર મુજબ અનુક્રમે ૧૦૨ અને ૧૦૪ વર્ષ છે.

બંને બાળકોના કાકા પવન કુમારે આ અંગે કોર્ટમાં અરજી કરી હતી કે, બેલાના ગ્રામ વિકાસ અધિકારી અને સરપંચને લાંચ ના આપવાના કારણે બંને બાળકોની ઉંમર વધારીને ૧૦૦ વરેષથી ઉપરની કરી દીધી છે. જેથી કોર્ટે તે બંને વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરી તપાસના આદેશ આપ્યા છે.

પવને પોલીસને જણાવ્યુ છે કે ૩૦ જુલાઇ ૨૦૧૯ના દિવસે તેઓ પોતાના બંને ભત્રીજા સંકેત અને શુભના જન્મનું પ્રમાણપત્ર બનાવવા માટે ગ્રામ વિકાસ અધિકારી સુશીલ ચંદ્ર પાસે ગયા હતા, જયાં ગામના સરપંચ પ્રવીણ મિશ્ર પણ હાજર હતા. બંને એ પ્રમાણપત્રના બદલે ૫૦૦ રૂપિયાની લાંચ માંગી, જેની તેણે ના પાડી. જેથી પ્રમાણપત્રમાં તેમણે ૨૦૧૬ની જગ્યાએ ૧૯૧૬ અને ૨૦૧૮ની જગ્યાએ ૧૯૧૮ કરી દીધું.

(10:23 am IST)