Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દિલ્હીમાં પારો ગગડીને ૮ ડિગ્રીઃ વિઝિબિલિટી ૫૦ મીટરથી પણ ઓછી થતાં ૨૨ ટ્રેન લેટ

ધુમ્મસના કારણે ટ્રાફિક થયો પ્રભાવિત, ટ્રેન અને ફલાઈટ સેવાઓ પર મોટી અસર

નવી દિલ્હી, તા.૨૨: ઠંડીને કારણે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસનો કહેર સતત વધી રહ્યો છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે અને સાથે અહીં વિઝિબિલિટી ૫૦ મીટરથી પણ ઓછી જોવા મળી રહી છે.

પહાડો પર બરફવર્ષાના કારણે દેશની રાજધાની દિલ્હીના તાપમાનમાં એકવાર ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી પડી રહી છે અને ઠંડી હવા પણ ચાલી રહી છે. આજે સવારે દિલ્હીમાં પારો ૮ ડિગ્રી નોંધાયો છે. આ સાથે અન્ય મુશ્કેલીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ૫૦ મીટરથી પણ ઓછી જોવા મળી છે.

ધુમ્મસને કારણે ટ્રાફિક પર ઘણી અસર જોવા મળી રહી છે. દૃશ્યતાના અભાવને કારણે લોકોને રસ્તાઓ પર વાહન ચલાવવામાં ખૂબ કાળજી લેવી પડે છે. તે જ સમયે, ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી આવતી ટ્રેનો મોડી દોડી રહી છે. ધુમ્મસને કારણે દિલ્હી આવતી ૨૨ ટ્રેનો મોડી પડી છે. ધુમ્મસની અસર ફ્લાઇટ્સ પર પણ જોવા મળી રહી છે. વિસ્તારા એરલાઇન્સે ચેતવણી જારી કરતાં કહ્યું છે કે દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીથી આવતી ફ્લાઇટ્સ પર અસર થાય તેવી સંભાવના છે.

(10:22 am IST)