Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ડોનાલ્ડ ટ્રમ્પ સામે સેનેટમાં મહાઅભિયોગની કાર્યવાહી શરૂ

અમેરિકાના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અઠવાડિયાના છ દિવસ દરરોજ છ કલાક સુનાવણી ચાલશે

વોશીંગ્ટન, તા.૨૨: અમેરિકાની સેનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ઘ મહાઅભિયોગની કાર્યવાહી અંગે સુનાવણી શરૂ થઈ ગઈ છે.

રિપબ્લિકન પાર્ટીના નેતા મિચ મૈકકોનેલ મુખ્ય સાક્ષીઓ અને દસ્તાવેજોને અટકાવવા માગે છે, જયારે ડેમોક્રેટ્સનું કહેવું છે કે જો તેવું થાય તો તે ઢાંકપીછાડા સમાન બની રહેશે.

ડેમોક્રેટ્સ મહાઅભિયોગની સુનાવણી મુદ્દે નિયમોમાં ફેરફાર ઇચ્છે છે. સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે.

સેનેટર્સે નિષ્પક્ષ ન્યાયાધીશની જેમ કાર્યવાહી કરવાના શપથ લીધા છે.

અમેરિકાના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અઠવાડિયાના છ દિવસ દરરોજ છ કલાક સુનાવણી ચાલશે.

આ વકીલો ટ્રમ્પનો બચાવ કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાઅભિયોગની કાર્યવાહી શરૂ થઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ સામે મહાઅભિયોગની અમેરિકાની ઇતિહાસની આ ત્રીજી ઘટના છે.

મહાઅભિયોગના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ કરવા માટે વકીલોની એક મોટી ટીમ કામ કરશે. જે ટીમ સેનેટમાં ટ્રમ્પનો બચાવ કરશે, એમાં વકીલો પણ હશે, જે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટન સામેના મહાઅભિયોગમાં સામેલ હતા.

સેનેટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પ્રતિનિધિત્વ કરનારી ટીમમાં કેન સ્ટાર અને રોબર્ટ રે હશે. આ એ જ વકીલ છે જેમણે બિલ કિલન્ટનના મહાઅભિયોગ મામલે તપાસ કરી હતી.

આ સિવાય ટ્રમ્પના બચાવપક્ષમાં એલેન ડર્શોવિટ્સ જેવા ચર્ચિત વકીલ પણ છે. એલેન ડર્શોવિટ્સ અમેરિકાના પૂર્વ ફૂટબોલર અને એકટર ઓજે સિમ્પસનનો કેસ લડી ચૂકયા છે.

વ્હાઇટહાઉસના વકીલ પૈટ સિપલોની અને ટ્રમ્પના નિજી વકીલ જે સીકુલો બચાવપક્ષના વકીલોની ટીમનું નેતૃત્વ કરશે.

મહાઅભિયોગ શું છે?

જયારે કોઈ રાષ્ટ્રપતિ પર ગંભીર આરોપ લાગે ત્યારે તેમના પર મહાઅભિયોગનો ખટલો ચલાવાય છે. મહાઅભિયોગમાં દોષિત ઠરનારે રાષ્ટ્રપતિને પદ છોડવું પડે છે.

અમેરિકાના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિને દેશદ્રોહ, લાંચ અને અન્ય ઠોસ ગુનાઓમાં મહાઅભિયોગનો સામનો કરવો પડે છે.

અમેરિકામાં મહાઅભિયોગની પ્રક્રિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સથી શરૂ થાય છે અને તેને પાસ કરાવવા માટે એક સામાન્ય બહુમતી જરૂરી હોય છે.

સેનેટમાં તેના પર સુનાવણી થાય છે, પરંતુ અહીં મહાઅભિયોગને મંજૂરી આપવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે. અમેરિકાના ઇતિહાસમાં આ માઇલસ્ટોન સુધી હજુ પહોંચી શકાયું નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ છે કે તેઓએ ૨૦૨૦માં રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર જો બિદેન અને તેના પુત્ર સામે ભ્રષ્ટાચારની તપાસ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી પર દબાણ કર્યું હતું.

ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોનો આરોપ છે કે ટ્રમ્પે પોતાના રાજકીય લાભ મટે યુક્રેનને અપાનારી ૩૧.૯ કરોડ ડોલરની સૈન્યમદદ રોકી દીધી હતી.

તેમના પર સત્તાનો દુરુપયોગ અને સંસદના કામમાં અડચણ નાખવાનો આરોપ છે અને એટલે તેમના પર મહાઅભિયોગની કાર્યવાહી ચાલી રહી છે. યુક્રેન આ મામલે એક અલગ તપાસ પણ કરી રહ્યું છે.

ટ્રમ્પ શરૂઆતથી જ આરોપોને ફગાવતા આવ્યા છે. તેઓ આરોપોને માત્ર  'અફવા'ગણાવે છે.

વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના મહાઅભિયોગનું સાંકેતિક મહત્ત્વ છે.

તો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ તેમની છબિ ખરડવાની કોશિશ થઈ રહી છે.(૨૩.૯)

(10:16 am IST)