Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રેલ્વે ઈ-ટીકીટના ગોરખધંધાથી ૧૦૦૦ કરોડની કાળી કમાણી

પાકિસ્તાન-બાંગ્લાદેશ-દુબઈ સાથે તાર જોડાયેલાઃ કાળી કમાણીનો ઉપયોગ આતંકવાદ ફંડીંગ, મનીલોન્ડ્રીંગ અને ગેરકાનૂની કાર્યોમાં થતોઃ ૫ વર્ષથી ચાલતો હતો ગોરખધંધોઃ ટીકીટ કાળાબજારમાં આંતરરાષ્ટ્રીય ટોળકીનો પર્દાફાશઃ માસ્ટર માઈન્ડ સહિત ૨૭ લોકોની ધરપકડઃ આઈઆરસીટીસીની ૫૬૩ નકલી આઈડી મળી આવી

નવી દિલ્હી, તા. ૨૨ :. રેલ્વે સુરક્ષા દળે ટીકીટ કાળાબજારમાં સંડોવાયેલ એક આંતરરાષ્ટ્રીય ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જેના તાર ભારતથી લઈને દુબઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી ફેલાયેલા છે. ટોળકીના સભ્યો ટીકીટ કાળાબજારની કમાણીનો ઉપયોગ આતંકવાદ ફંડીંગ, મનીલોન્ડ્રીંગ અને ગેરકાનૂની કાર્યોમાં કરતા હતા.

ટોળકીનો વડો ઓછું ભણેલો છે તેણે ટીકીટ કાળાબજારથી શરૂઆત કરી અને ટ્રેનીંગ લઈ સોફટવેર ડેવલપર બની ગયો. આ ટોળી છેલ્લા પાંચ વર્ષથી સક્રિય છે અને લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા કમાઈ ચૂકયો છે.

રેલ્વે સુરક્ષા દળના વડા અરૂણકુમારે જણાવ્યુ છે કે ઝારખંડના ગુલામ મુસ્તફાને ૧૦ દિવસ પહેલા ભુવનેશ્વરથી પકડી લેવાયો હતો. તેની સાથે વધુ ૨૭ લોકોની પણ ધરપકડ થઈ છે. તપાસમાં ગુલામ મુસ્તફા પાસેથી આઈઆરસીટીસીના ૫૬૩ નકલી આઈડી મળી આવ્યા હતા.

સ્ટેટ બેન્કની ૨૪૦૦ શાખાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની ૬૦૦ શાખાઓની યાદી મળી છે. તેમના એ બેન્કોમાં ખાતા હોવાની શંકા છે. જેની તપાસ થઈ રહી છે. અરૂણકુમારે કહ્યુ છે કે મુસ્તફાની આરપીએફ ઉપરાંત આઈબી, સ્પેશ્યલ બ્યુરો, ઈડી, એનઆઈએ તથા કર્ણાટક પોલીસ પુછપરછ કરી રહી છે.

ટોળકીનો માસ્ટર માઈન્ડ બેંગ્લોરથી સંચાલન કરતો હતો. મુસ્તફાએ ભાગલપુરમાં પણ પગપેસારો કર્યો હતો. રેલ્વે ઈ-ટીકીટની દલાલી થકી પૈસાને દેશમાં અનેક બેન્કમાં ખોલેલા ૩૦૦૦થી વધુ ખાતા થકી બહાર મોકલી દેતો હતો. એટલુ જ નહિ મોટી રકમની ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરી દુબઈમાં બેઠેલા આકાઓને પૈસા પહોંચાડતો હતો.

(11:01 am IST)