Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ગુજરાતના 'જુરાસિક પાર્ક'માંથી ફરી એકવાર મળી આવ્યા ડાયનોસોરના ઇંડા

શું તમે જાણો છો કે છ કરોડ વર્ષ પહેલા આપણું ગુજરાત ખરેખર જુરાસિક પાર્ક હતું?

નવી દિલ્હી તા. ૨૨ : તમે હોલિવુડની ફિલ્મ જુરાસિક પાર્કમાં લુપ્ત થઈ ગયેલા ડાઈનોસોરને સ્ક્રીન પર ફરી જીવંત થતા જોયા જ હશે પરંતુ શું તમે જાણો છો કે છ કરોડ વર્ષ પહેલા આપણું ગુજરાત ખરેખર જુરાસિક પાર્ક હતુ? ગુજરાતમાં વિશાળકાય ડાયનોસોરની વસ્તી હતી. આ અંગેના પુરાવાઓ સમયાંતરે મળતા આવ્યા છે. સૌથી પહેલા ૧૯૮૭માં જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ ગુજરાતમાંથી પ્રાચીન અશ્મિઓ શોધી કાઢ્યા હતા અને તેના પર સંશોધન કર્યું હતુ. આ પછી ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ મિશિગને પણ બાલાસિનોર નજીક ધોળી-ડુંગરી ગામે સંશોધન કરતા તેમને જાણવા મળ્યુ હતુ કે આ વિસ્તારમાં ડાયાનાસોરની વસ્તી હતી અને એ સમયના સાપ ડાયનાસોરના ઈંડા પણ ખાતા હતા.

હવે ફરી એકવાર ગુજરાતના બાલાસિનોર નજીક ડાયનાસોરના ઈંડા મળી આવતા ગુજરાતમાં ડાયનોસોરની વસ્તીની થિયરી પર વધુ એક મહોર વાગી ગઈ છે. બે દિવસ પૂર્વે બીડના મુવાડા ગામેથી સંશોધનકર્તાઓને ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા. હવે આ ઈંડુ જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને વધુ અભ્યાસ માટે સોંપવામાં આવશે. આ વિસ્તારમાં સતત ખોદકામ થતુ રહેતુ હોવાથી ત્યાંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે.

જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ કરતા ખેડૂતોને કંઈક અલગ પદાર્થ મળી આવ્યો હતો. તેમણે વનવિભાગ તથા મામલતદારને જાણ કરતા આ પદાર્થ ડાયનોસોરના ઈંડાનો ટુકડો હોવાની ખબર પડી હતી. તૂટેલા ઈંડાનો આ ટુકડો હાલમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે છે. વધુ તપાસ પછી જ માલૂમ પડશે કે આ પુરાતન ઈંડુ ડાયનોસોરનું છે કે અન્ય કોઈ પ્રાણીનું.

આ વિસ્તારમાં વધારે અશ્મિઓ છે કે નહિ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ૧૯૮૧માં બાલાસિનોર નજીક ડાયનોસોરના ઈંડા મળી આવતા અહીં ખાસ ફોસિલ પાર્ક વિકસાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આ વિસ્તારમાં ડાયનોસોર પર સતત રિસર્ચ ચાલતુ આવ્યુ છે.

સંશોધકોના તારણ મુજબ આજથી છ કરોડ વર્ષ પહેલા ડાયનોસોર નર્મદા ખીણના વિસ્તારમાં સૌથી વધુ ઈંડા મૂકતા હતા. બાલાસિનોરથી માંડી મધ્યપ્રદેશ સુધી ડાયનોસોરની અંતિમ સાત પ્રજાતિઓની વસ્તી હતી જે ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ હતી.

(4:01 pm IST)