Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુપ્રીમે આસારામની જામીન અરજી ફરી ફગાવી

ઉંમર થઇ ગઇ છે, જામીન આપોઃ આસારામની અરજી ફગાવાઇઃ મોટેરા આશ્રમમાં થયો હતો રેપ

નવી દિલ્હી તા. ૨૨ : ગુજરાતમાં નોંધાયેલા રેપ કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટે પણ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. આસારામને હાલ જેલમાં જ રહેવું પડશે, અને કોર્ટ આ મામલે ૮ સપ્તાહ બાદ સુનાવણી કરશે. આ મામલે ૨૯ જાન્યુઆરીએ ગુજરાતની કોર્ટમાં પીડિતાનું નિવેદન નોંધવામાં આવશે. કોર્ટે કહ્યું છે કે, પહેલા પીડિતાનું નિવેદન નોંધવામાં આવે અને પછી જ આસારામની જામીન અરજી પર વિચાર કરવામાં આવશે.

આસારામ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમની ઉંમર થઈ ચૂકી છે, અને તેઓ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પણ ભોગવી રહ્યા છે. તેવામાં તેમની જામીન અરજી પર જલ્દી સુનાવણી થવી જોઈએ. આસારામ સામે એક મહિલાએ મોટેરા આશ્રમમાં તેના પર રેપ ગુજારાયો હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જામીન મેળવવા આસારામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

ગત સુનાવણીમાં પણ આસારામ સામે ધીમી ગતિએ ચાલી રહેલી સુનાવણી પર ગુજરાત સરકારને સુપ્રીમે સવાલ કર્યો હતો. કોર્ટે સરકારને પૂછ્યું છે કે હજુ સુધી પીડિતાનું નિવેદન નોંધવામાં કેમ નથી આવ્યું? કોર્ટે ગુજરાત સરકારને સોગંદનામું રજૂ કરી કેસની પ્રગતિ અંગે માહિતી આપવા પણ આદેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, ૧૨ એપ્રિલ ૨૦૧૭ના રોજ સુપ્રીમે ગુજરાત સરકારને કહ્યું હતું કે તે આસારામ સામે ટ્રાયલને લટકાવી ન રાખે. આ મામલે પ્રેકિટકલી જેટલું સંભવ હોય તેટલું જલ્દી ગવાહોના નિવેદન નોંધવામાં આવે કારણકે આસારામ લાંબા સમયથી જેલમાં છે. જેના જવાબમાં ગુજરાત સરકારે કહ્યું હતું કે, ગવાહોને લઈને ઝડપથી કાર્યવાહી ચાલી રહી છે. ૨૯ સાક્ષીઓના નિવેદન નોંધાઈ ચૂકયા છે અને ૪૬ના બાકી છે. આ દરમિયાન બે સાક્ષીની હત્યા થઈ ચૂકી છે, અને કેટલાક પર હુમલા થયા છે.આસારામ સામે રાજસ્થાનના જોધપુરમાં પણ એક કિશોરી પર રેપ કરવાનો આરોપ છે, અને તે જ આરોપમાં હાલમાં તે જેલમાં બંધ છે. ૨૦૧૩થી જેલમાં રહેલા આસારામ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં પણ અનેકવાર અરજી કરી ચૂકયા છે, જોકે તેમને કોર્ટે જામીન આપ્યા નથી. આસારામનો દીકરો નારાયણ સાઈ પણ બળાત્કારના જ આરોપમાં સુરતની જેલમાં બંધ છે.

(3:54 pm IST)