Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

૨ લાખથી વધારે લોકોને સરકારે મોકલી નોટીસ

નોટબંધી દરમિયાન ૫૦૦ - ૧૦૦૦ની જૂની કરન્સીમાં લગભગ ૨૦ લાખથી વધારે રકમ જમા કરાવનાર

નવી દિલ્હી તા. ૨૦ : સરકારે લગભગ ૨ લાખ લોકોને ટેકસ નોટિસ મોકલી છે જેમણે નોટબંધી દરમિયાન ૫૦૦-૧૦૦૦ની જૂની કરન્સીમાં લગભગ ૨૦ લાખથી વધારે પૈસા જમા કરાવ્યા હતા, પરંતુ ટેકસ ડિપાર્ટમેન્ટે માંગેલી માહિતીનો હજી કોઈ જવાબ નથી આપ્યો.

એક સીનિયર ઈનકમ ટેકસ ઓફિસરે  જણાવ્યું કે, અમે આ લોકોને ઘણો બધો ટાઈમ આપ્યો અને રાહ જોઈ કે તે રિટર્ન ફાઈલ કરી દે, પરંતુ તેમણે સતત અમારી નોટિસને ઈગ્નોર કરી. માટે અમારે તેમને સર્વિસ નોટિસ મોકલવી પડી.

આ વર્ષે ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ તરફથી આવા ટેકસપેયર્સને પકડવાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ સિવાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેકટ ટેકસ(CBDT) તરફથી પણ પ્રયાસ ચાલુ છે કે, ટેકસચોરી કરનારા લોકો દેશમાં નીડર થઈને ફરવા ન જોઈએ, તેમના પર કડક પગલાં લેવાય તે ખુબ જરુરી છે.

સરકાર દ્વારા નોટબંધી વખતે ૫ લાખ અને તેનાથી વધારે ડિપોઝીટ કરનારા ૧૮ લાખ શંકાસ્પદા ખાતાઓની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ઈનકમ ટેકસ પોર્ટલની મદદથી ૧૨ લાખને વેરિફાય કરવામાં આવ્યા છે. આ લોકો દ્વારા જમા કરાવવામાં આવેલી રકમ લગભગ ૨.૯ લાખ કરોડ છે.

પાંચ લાખ ખાતાધારકોએ ડિપાર્ટમેન્ટની રિકવેસ્ટને કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. નોટબંધી પછી ૯૯ ટકા રદ્દ થયેલી નોટો સિસ્ટમમાં પાછી આવી જતા મોદી સરકારના આ નિર્ણયની ટીકા પણ થાય છે.

(11:20 am IST)