Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

દાવોસમાં સંમેલનઃ વિકાસ મંત્ર- વ્યંજન- યોગાથી છવાશે મોદી

વિશ્વ આર્થિક મંચની ૪૮મી બેઠકઃ મોદી જવા રવાનાઃ દુનિયાભરના ૩૦૦૦ લોકો હાજર રહેશેઃ ભારતના ૧૩૦ પ્રતિનિધિઓ ભાગ લેશેઃ કાલથી સત્તાવાર સત્રઃ મોદી ઉદ્દઘાટન સત્રને સંબોધન કરશેઃ રોકાણ માટે વિશ્વને આમંત્રિત કરશે

નવી દિલ્હી તા.રર : દાવોસમાં આજથી વિશ્વ આર્થિક મંચનું પાંચ દિવસનું સંમેલન મળી રહ્યુ છે. આ સમારોહની વિશેષતા એ હશે કે પહેલીવાર ત્યાં વિશ્વભરમાંથી આવેલા મહેમાનો ભારતીય વ્યંજનોનો સ્વાદ ચાખશે અને તેઓને રોજ યોગ સત્રમાં સામેલ થવાની તક મળશે તો વડાપ્રધાન મોદી પોતાના ઉદ્દઘાટન સંબોધન જણાવશે કે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસનું એન્જીન બની શકે છે.

 

વિશ્વભરના વ્યાપાર, રાજકીય, કલા, અકાદમી અને સીવીલ સોસાયટીના ૩૦૦૦ નેતાઓ આ ૪૮મી વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ભાગ લેનાર અત્યાર સુધીની સૌથી મોટી ટીમ ભારતની હશે. ગ્લેમરમાં પણ ભારત બીજા દેશો ઉપર ભારે પડશે ત્યાં ઓસ્ટ્રેલીયાની અભિનેત્રી કેટ બ્લેચેટ અને સંગીતકાર એલન જોન સામેલ થશે તો બોલીવુડના સ્ટાર શાહરૂખ ખાનને પણ ક્રિસ્ટલ એવોર્ડથી નવાજવામાં આવશે. આ ત્રણેય સેલીબ્રીટીને આ એવોર્ડ વિશ્વને સુધારવાની દિશામાં કામ કરવા માટે મળશે. આ સંમેલન બરફથી ઢંકાયેલા આલ્પસ પર્વતની પાસે આવેલ રિસોર્ટ ટાઉનના અત્યંત ખુબસુરત માહોલમાં યોજાશે.

આ બેઠકની સત્તાવાર સત્ર મંગળવારથી શરૂ થશે જેમાં મોદી ઉદ્દઘાટન સત્રને સંબોધશે. જાણવા મળે છે કે તેઓ પોતાના સંબોધનમાં જણાવશે કે ભારત વિશ્વભરમાંથી રોકાણ માટે તૈયાર છે.

એ જ દિવસે સાંજે ભારત તરફથી દેશી વ્યંજનોનો સ્વાદ પીરસવામાં આવશે. સ્વાગત સમારોહમાં યુવા અને નવા ભારતની ઝલક જોવા મળશે.

મોદી ર૦ વર્ષ બાદ દાવોસની યાત્રા કરનાર પહેલા ભારતીય વડાપ્રધાન છે. આ પહેલા ૧૯૯૭માં એચ.ડી.દેવગોડા ત્યાં ગયા હતા. પીએમની મુલાકાત માત્ર ર૪ કલાકની જ રહેશે પરંતુ તેમનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત અને મહત્વનો રહેશે. વિશ્વભરની કંપનીઓના ૬૦ સીઇઓ સાથે તેઓ ડીનર લેશે અને ૧ર૦ અન્ય ઉદ્યોગપતિઓને પણ રૂબરૂ મળશે તે પછી તેઓ સ્વીસ રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે.(૩-૩)

(11:44 am IST)