Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જાહેર સંસ્થાઓમાં નિમણૂક પ્રતિભાને આધારે થવી જોઇએઃ હાઇકોર્ટ

મુંબઇ તા. ૨૨ : શહેરની પાલિકાના નીચલા વર્ગના કર્મચારીઓની તેમને હાલના પાલિકાની કલાર્કસ માટેની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક કરવા અંગેની અરજી સંદર્ભે હાઇ કોર્ટે કર્મચારી જૂથને રાહત આપવાનો ઇનકાર કરતા નોંધ્યું છે કે દરેક જાહેર સંસ્થાઓમાં નિમણૂક માત્ર પ્રતિભાને આધારે થવી જોઇએ.

ન્યાયમૂર્તિ એસ. સી. ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેએ તાજેતરમાં જણાવ્યું હતું કે બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) જાહેર સંસ્થા હોવાથી તેમણે પારદર્શકતા જાળવવાની અને ઉચ્ચ ગુણવત્તાવાળું કામ કરવાની જરૂર છે. વધુ બુદ્ઘિસામર્થ્ય ધરાવતા નવા, ઉત્સાહથી થનગનતા તરવરિયા લોકોને નોકરી પર રાખવાથી સરવાળે ફાયદો જ થશે. હાઇ કોર્ટની ખંડપીઠમાં પાલિકાના ચોથા ગ્રેડના ૧૫ કર્મચારીઓની અરજીની સુનાવણી હતી. ૨૦૧૧માં પાલિકાએ કલાર્કની પોસ્ટ માટે જાહેરાતનો પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પરીક્ષા આપવાની હતી. ઉર્ત્તીણ થવા માટે મિનિમમ માર્કસ ૪૦ રાખવામાં આવ્યા હતા. ૧૫ અરજકર્તાઓ યોગ્ય લાયકાત ધરાવતા હોવાથી તેમણે પણ પરીક્ષા આપી હતી. પાલિકામાં ૩૨૯ નોકરીની ખાલી જગ્યા હતી અને ૪૭૫ અરજકર્તાઓએ ઉર્ત્તીણ થવા માટે જરૂરી ૪૦ માર્કસ કરતા વધુ માર્કસ મેળવ્યા હતા. જેઓ ૪૯ કરતાં વધુ માર્કસે ઉર્તીણ થયા હતા તેઓને જ નોકરી પર રાખવાનો પાલિકાએ નિર્ણય કર્યો હતો. જે લોકોએ ૪૦થી ૪૮ની વચ્ચે માર્ક મેળવ્યા હતા, તેઓ નોકરીથી વંચિત રહી ગયા હતા. ૨૦૧૪માં એક આરટીઆઇ અરજીમાં જાણવા મળ્યું હતું કે પાલિકામાં હજી પણ કલાર્કની જગ્યા છે. આથી ૨૦૧૧માં જે ૧૫ લોકો નોકરીથી વંચિત રહી ગયા હતા તેમણે હાઇ કોર્ટમાં અરજી કરી હતી કે તેમને પાલિકાના ખાલી રહેલી કલાર્કની જગ્યા પર તેમની ૨૦૧૧ની પરીક્ષાના પરિણામના આધાર પર રાખવામાં આવે. પાલિકાએ તેમની માગણી ઠુકરાવતા જણાવ્યું હતું કે ૨૦૧૧ બાદ કલાર્ક માટે જરૂરી લાયકાતના ધોરણમાં અને ઉર્ત્તીણ થવા માટે મિનિમમ માર્કસમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પાલિકાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પાલિકાના ખાલી પડેલી જગ્યા પૂરવા પાલિકા દ્વારા નવેસરથી પરીક્ષા લેવામાં આવી હતી. જેઓ ૨૦૧૧માં નોકરીમાંથી વંચિત રહી ગયા હતા, તેમાંના કેટલાકે ફરીથી પરીક્ષા આપી હતી અને સારા માર્કે પાસ પણ થયા હતા અને તેમને સારા પદ પર નોકરી પણ મળી હતી. પાલિકાના વલણને હાઇ કોર્ટે માન્ય રાખ્યું હતું અને જાહેર સંસ્થાઓમાં નિમણૂક પ્રતિભાને આધારે થવી જોઇએ, એમ જણાવી અરજકર્તાઓની અરજી રદ કરી હતી.(૨૧.૮)

(9:41 am IST)