Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નવા સ્ટ્રેન અંગે સરકાર સતર્ક, ગભરાવાની જરૂર નથી : સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને

વિશ્વભરમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ભારે ગભરાટ : આ વાયરસ અંગે એવી કોઈ વિગતો નથી મળી કે તે વધુ ઘાતક છે એવો બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓનો ખુલાસો

નવી દિલ્હી, તા. ૨૧ : સ્ટ્રેન વાયરસ કોરોના કરતા પણ વધારે ખતરનાક અને ઝડપથી સંક્રમણ ફેલાતું હોવાની આશંકાએ દુનિયાભરમાં ફફડાટ ફેલાયો છે. આવામાં યુરોપીન દેશોએ યુકે જતી ફ્લાઈટની કામગીરી અટકાવી દીધી છે તેવામાં ભારતમાં પણ મુદ્દાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જેના પર દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને સોમવારે કહ્યું છે કે, સરકાર સતર્ક છે અને તમારે ગભરાવાની જરુર નથી.

તેમણે જણાવ્યું છે કે, સરકારે પાછલા એક વર્ષમાં કોરોના વાયરસ સામે જરુરી તમામ મહત્વના પગલા ભર્યા છે. જ્યારે ડૉ. હર્ષ વર્ધનને પૂછવામાં આવ્યું કે શું સ્ટ્રેન વાયરસના કારણે યુકે જતી ફ્લાઈટનું ઓપરેશન રોકી દેવામાં આવશે? તેવા પત્રકારોના સવાલનો તેમણે જવાબ આપીને કહ્યું છે કે, હું કહેવા માગીશ કે બધી કાલ્પનિક સ્થિતિ છે, કાલ્પનિક વાતો છે, કાલ્પનિક ડર છે. તે બધી વાતો માની ના લેશો.

તેમણે આગળ પણ જણાવ્યું છે કે, સરકાર તમામ જરુરી બાબતને લઈને સતર્ક છે. જો તમે મને પૂછો તો પ્રેસ કોન્ફન્સમાં આપણે વાત કરી તે પ્રમાણે ગભરાવાની કોઈ જરુર નથી.

બીજી તરફ બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે વાયરસ અંગે એવી કોઈ વિગતો નથી મળી કે તે વધારે ઘાતક છે કે વેક્સીનની સામે અલગ પ્રતિક્રિયા આપશે. જોકે વાયરસ કોરોનાના સામાન્ય વાયરસ કરતા ઝડપથી ફેલાતો હોવાનું પણ વિવિધ રિપોર્ટ્સમાં નોંધવામાં આવ્યું છે. હવે વાયરસ સામે કોરોનાની તૈયાર થયેલી રસી કેટલી સફળ થશે તે અંગે પણ વિવિધ રિસર્ચ કરવામાં આવી શકે છે.

વાયરસને ધ્યાનમાં રાખીને યુરોપના દેશોએ ફ્લાઈટ સેવા અટકાવી દીધી છે, જ્યારે બેલ્જિયમે બ્રિટનને જોડતી રેલવે સેવા પણ અટકાવી દીધી છે. જર્મનીના અધિકારીઓએ જણાવ્યું કે બ્રિટનથી આવનારા વિમાનને લઈને ગંભીર વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

(7:37 pm IST)