Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વિયેતનામના રસ્તે ચીન પર કાબૂ મેળવવાની વ્યૂહરચના

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના વડા પ્રધાન નગુએન શુઆન ફુકે વચ્ચે વર્ચ્યુઅલ બેઠક : ભારતને વિયેતનામની મદદ મળે તો બંને મળીને ચીન અને પાકિસ્તાનની નાપાક હરકતનો જવાબ આપી શકે

નવી દિલ્હી, તા. ૨૧ : લદાખ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના આક્રમક વ્યવહારનો જોરશોરથી સામનો કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના વડા પ્રધાન નગુએન શુઆન ફુકે સોમવારે વર્ચ્યુઅલ બેઠક યોજી રહ્યા છે. બેઠકમાં બંને દેશો ભારતમાં બનેલા ૧૦ કરોડ ડોલરના પેટ્રોલિંગ જહાજો પર સમજૂતી થઇ છે. સાથો સાથ ચીની ડ્રેગનની સાથે વ્યવહાર કરવાની વ્યૂહરચના પણ બની છે. કેવી રીતે ડ્રેગન પર કાબૂ મેળવવા માટે વિયેતનામ ભારત માટે મદદગાર સાબિત થઇ શકે છે જાણવું રસપ્રદ બની રહેશે.

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો કહે છે કે, ચીન સતત દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધાભ્યાસ કરીને અમેરિકાને સતત સંદેશો પહોંચાડતો રહ્યો છે, પરંતુ હવે તેની અસર તેના પડોશી દેશો પર પણ પડી રહી છે. આથી હવે ચીનની આક્રમકતાનો સામનો કરી રહેલા વિયેતનામ અને ભારત સાથે આવી રહી છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો મળીને ચીન અને પાકિસ્તાનની નાપાક હરકતનો જવાબ આપી શકે છે.

ચીને વિએતનામને અડીને આવેલા વુડી ટાપુ પર દક્ષિણ ચીન સમુદ્રમાં તેનું અત્યંત ઘાતક બોમ્બર વિમાન એચ - જે ગોઠવી દીધું છે. વિયેતનામ આનાથી ખૂબ નારાજ છે. વિયેતનામે કહ્યું કે બોમ્બર માત્ર વિયેતનામની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન નથી, પરંતુ ક્ષેત્રમાં શાંતિ માટે સંકટ પેદા કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં વિયેતનામના રાજદૂત ફામ સનહ ચાઉ ભારતીય વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા સાથે મુલાકાત કરીને દક્ષિણ ચીન સમુદ્રમાં વધી રહેલા તણાવ વિશે જણાવ્યું હતું. હવે બંને દેશોના વડા પ્રધાનો વર્ચુઅલ બેઠક કરી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ ડિફેન્સ ફોર્સ એકેડેમીમાં પ્રોફેસર કાર્લેયલે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ સાથે વાત કરતાં કહ્યું કે વિયેતનામ એમ્બેસેડરની મુલાકાત ખૂબ મહત્વની છે. તેમણે કહ્યું કે વિયેતનામે બોમ્બાર વિમાન તૈનાત કર્યાની માહિતી ભારતને આપી છે. વિયેતનામ ચીન સામે રાજકીય સમર્થન મેળવવા માંગે છે. વિયેતનામના વિદેશી બાબતોના નિષ્ણાત હ્યુંચ ટેમ સોન્ગે જણાવ્યું હતું કે ભારત સાથેના સંપર્ક દ્વારા વિયેતનામે બતાવ્યું છે કે તેને ભારતનું સમર્થન નહીં પણ દક્ષિણ ચીન સમુદ્રમાં મુક્ત આંદોલનની ભારતની માંગને પણ સમર્થન આપે છે.

સોંગે કહ્યું હતું કે ભારત અને વિયેતનામ વચ્ચેના રક્ષા સંબંધોને મજબૂત કરવા યોગ્ય સમયે ચીનને સંદેશ આપશે. યુએસ સંરક્ષણ મંત્રાલયના સંશોધનકાર મોહન મલિક કહે છે કે ભારત અને વિયેતનામ વચ્ચેની મિત્રતા ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને જવાબ છે. તેમણે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન જે રીતે ભારતની સામે સૈન્ય કાર્યવાહી કરે છે તે રીતે, નવી દિલ્હી અને હનોઈ એકબીજાને ડ્રેગન સામેની માહિતી આપી રહ્યા છે. જેમ પાકિસ્તાન ઈચ્છે છે કે હિંદ મહાસાગરમાં ચીનની સૈન્ય હાજરી હોય, તેમ વિયેતનામ ઇચ્છે છે કે ભારતીય નૌકાદળ દક્ષિણ ચીન સમુદ્રમાં તેની હાજરી વધારે.

ભારત અને વિયેતનામ બંને રશિયન શસ્ત્રો પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. તેઓ ક્ષેત્રમાં એકબીજાને મદદ કરી શકે છે. મોહન મલિક કહે છે કે ભારત અને વિયેતનામ ચીની નૌકાદળ વિશે બાતમીની આપ-લે કરીને એક બીજાની મદદ કરી શકે છે. ભારત વિયેતનામના તેલ ક્ષેત્રમાં મદદ કરી રહ્યું છે. ભારત દક્ષિણ ચીન સમુદ્રમાં તેલ અને ગેસ કાઢવામાં પોતાની ભૂમિકામાં વધુ વધારો કરી શકે છે.

(7:36 pm IST)