Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સાઉદીએ બ્રિટનની તમામ જળ, વિમાન સેવા સપ્તાહ માટે બંધ કરી

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો : યુકેથી સાઉદી અરબ આવેલા લોકોને બે સપ્તાહ સુધી સેલ્ફ આઈસોલેટ થવું પડશે અને ટેસ્ટિંગ પણ કરાવવું પડશે

રિયાધ, તા. ૨૧ : બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન ઝડપથી ફેલાતો હોવાની જાણ થતા કડક લોકડાઉન લાગુ કરવાની તૈયારીઓ થઈ રહી છે. સાથે વિશ્વના અન્ય દેશો યુકેની ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવાનું શરૂ કરી દીધું છે. સાઉદી અરબે રવિવારે દેશમાંથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સહિત જમીન અને સમુદ્રના માર્ગે પરિવહન એક સપ્તાહ માટે બંધ કરી દીધું છે. સાઉદી અરબની સત્તાવાર પ્રેસ એજન્સીએ જણાવ્યું કે કિંગ્ડમ દ્વારા અસ્થાયી રીતે કેટલાક અપવાદને બાદ કરતા તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર એક સપ્તાહ સુધી રોક લગાવી છે. આગામી સમયમાં સમીક્ષા બાદ વધુ એક સપ્તાહ પ્રતિબંધ લંબાવાઈ શકે છે.

એસપીએએ જણાવ્યું કે, કિંગડમમાંથી ઈન્ટરનેશનલ ફ્લાઈટને બહાર જવાની મંજૂરી છે અને તે ઉડી શકશે. બ્રિટન સરકારે કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાનું નવું સ્ટ્રેઈન બેકાબૂ છે. જાણકારી બાદ અનેક દેશોએ બ્રિટનમાં યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એસપીએએ વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર પછી યુરોપમાં વાયરસનું નવું સ્ટ્રેન મળ્યા પછી યુકેથી સાઉદી અરબ આવેલા લોકોને બે સપ્તાહ સુધી સેલ્ફ આઈસોલેટ થવું પડશે અને ટેસ્ટિંગ પણ કરાવવું પડશે. પાડોશી દેશ કુવૈતે પણ રવિવારે બ્રિટનથી આવતી પેસેન્જર ફ્લાઈટને બેન કરી છે. યુરોપમાં અત્યાર સુધીમાં કોરોનાથી પાંચ લાખથી વધુ મોત થયા છે.

(7:35 pm IST)