Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બહારથી સામાન્‍ય લાગતુ લગ્નનું કાર્ડ ખોલતા જ અંદરથી દારૂની બોટલ-ભુજીયા અને મિનરલ વોટરની બોટલ નીકળીઃ મહારાષ્‍ટ્રમાં અનોખુ કાર્ડ વાયરલ

નવી દિલ્હી: લગ્નના કાર્ડની સાથે સાથે મોટાભાગે મહેમાનોને મીઠાઈનો ડબ્બો કે ડ્રાયફ્રૂટ્સ મોકલવાનું ચલણ પ્રચલિત છે. પરંતુ સોશિયલ મીડિયા પર હાલ એક એવું અનોખું કાર્ડ વાયરલ થયું છે કે જેની સાથે મહેમાનોને એક બોટલ દારૂ, હલ્દીરામના ભુજીયા અને મિનરલ વોટરની બોટલ મોકલવામાં આવી છે. આ કાર્ડ મહારાષ્ટ્રના ચંદ્રપુરનું હોવાનું કહેવાય છે અને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું છે. કેટલાક લોકોને આ  કોન્સેપ્ટ ગમ્યો છે જ્યારે કેટલાક લોકો નારાજ થયા છે.

આ લગ્નનું કાર્ડ બહારથી તો સામાન્ય કાર્ડની જેમ જ છે અને તેના પહેલા પેજ પર ભગવાન ગણેશની તસવીર છપાયેલી છે.

કાર્ડના બીજા પેજ પર લગ્નની તારીખ અને કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

કાર્ડ આખુ ખોલ્યા બાદ લોકો સ્તબ્ધ થઈ ગયા. કાર્ડની અંદર દારૂની બોટલ અને સાથે હલ્દીરામના ભુજીયા અને મિનરલ વોટરની બોટલ રાખવામાં આવી છે.

કાર્ડની તસવીરો વાયરલ થયા બાદ તેને છપાવનારા વ્યક્તિના ઘરે પોલીસ પહોંચી ગઈ અને પૂછપરછ કરી. કારણ કે ચંદ્રપુરમાં દારૂબંધી છે. વ્યક્તિએ સ્વીકાર્યું કે આ કાર્ડ તેની જ પુત્રીના લગ્નનું છે અને આ લગ્ન ચંદ્રપુરની જ એક હોટલમાં થયા હતા.

કાર્ડ છાપનારા વ્યક્તિએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે  ચંદ્રપુરમાં દારૂબંધી લાગુ છે આથી દારૂની બોટલવાળા કાર્ડ અહીં વહેંચવામાં આવ્યા નહતા. તેમણે જણાવ્યું કે આ કાર્ડ નાગપુર અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ખાસ સંબંધીઓને આપવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે ચંદ્રપુરમાં રહેતા મહેમાનોને જે કાર્ડ આપવામાં આવ્યા હતા તેમા ડ્રાયફ્રૂટ્સ અને ચોકલેટ્સ હતા. જેનો એક સેમ્પલ સેટ પણ તેમણે પોલીસને બતાવ્યો.

કાર્ડની તસવીરો વાયરલ થયા બાદ કેટલાક લોકોએ આ આઈડિયાને મજેદાર ગણાવ્યો તો કેટલાકે ટીકા કરી. કેટલાક લોકોનું કહેવું છે કે દારૂબંધી હોવા છતાં આ પ્રકારના કાર્ડ છપાવવા એ યોગ્ય નથી.

(5:13 pm IST)