Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગુરદાસપુર જીલ્લામાં પાકિસ્તાની ડ્રોન દ્વારા છોડેલા ૧૧ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા

ડ્રોનની શોધખોળ ચાલુ

ચંદીગઢ/નવી દિલ્હી, તા.૨૧: ૨૧ બીએસએફ અને પંજાબ પોલીસને, ગુરુદાસપુર જિલ્લામાં સરહદમાંથી ડ્રોનમાંથી છોડેલા ૧૧ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. બીએસએફ દ્વારા દોરંગલા વિસ્તારના ચકરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને પકડવા માટે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

સ્ટેશન ઇન્ચાર્જ જસબીરસિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી મોકલાયેલ ડ્રોન ગત રાત્રે ૧૧:૩૦ વાગ્યે બીઓપી ચકરી બીએસએફ ચોકી નજીક ઉડતું જોયું હતું. બીએસએફના જવાનોએ તાત્કાલિક એલર્ટ જારી કર્યું હતું. આ સાથે જ થાના દોરંગલાની ટીમે તેમના નેતૃત્વ હેઠળ ચકરી પોસ્ટ વિસ્તાર તરફ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે સવાર સુધી ચાલુ રહ્યું હતું. આ દરમિયાન, સલાચ ગામના એક ખેતરમાં ડ્રોનમાંથી ફેંકેલું લાકડાનું પેકેટ મળી આવ્યું હતું. તેમાં ૧૧ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે.

સોમવારે સવારે, બીએસએફના જવાનો અને પોલીસે પાકિસ્તાની ડ્રોનની શોધખોળ કરતા આ વિસ્તાર ગામ મીયાની, સલાચ, ચકરી પોસ્ટ ની આજુબાજુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ તેઓને ડ્રોન કયાંય મળ્યું ન હતો. ઝડપાયેલા હેન્ડ ગ્રેનેડની તપાસ કરવામાં આવી રહી છે.

બીએસએફ સેકટર ગુરદાસપુરના ડીઆઈજી રાજેશ શર્માએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા બે મહિનામાં દસ ડ્રોન મોકલવામાં આવ્યા છે. પરંતુ અમે તેમના ઇરાદાઓને કયારેય સફળ થવા નહીં દઈશું.

(3:31 pm IST)