Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બંગાળમાં ભાજપની ૧૦ બેઠકો પણ આવશે તો ટિવટર છોડી દઇશઃ પ્રશાંત કિશોર

પશ્ચિમ બંગાળમાં આવતાં વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ગરમાવો જોવા મળી રહ્યો છે

કોલકાતા, તા.૨૧: પશ્ચિમ બંગાળમાં આવતાં વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના બે દિવસીય બંગાળ પ્રવાસ દરમિયાન એ બતાવ્યું કે, મમતા બેનર્જી માટે આ વખતે ચૂંટણી સરળ નહીં હોય. જયારે મમતા બેનર્જીના રાજકીય સલાહકાર પ્રશાંત કિશોર ભાજપના ઉત્સાહને કાલ્પનિક માની રહ્યાં છે. તેમણે ટ્વિટ કરતાં જણાવ્યું કે, જો ભાજપ ડબલ અંક પણ પાર કરશે તો હું ટ્વિટર છોડી દઇશ.

પ્રશાંત કિશોર અનુસાર, અમિત શાહના બંગાળ પ્રવાસથી ભાજપને કોઇ ખાસ ફાયદો થવાનો નથી. ભાજપના નેતાનો આ પ્રવાસ મીડિયાએ બનાવેલી છબી છે. તેમણે એમ પણ કહ્યુ કે, ભાજપ ચૂંટણીના પરિણામમાં બે અંક પણ પાર નહી કરી શકે.

પ્રશાંત કિશોરની આ ટ્વિટ પછી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્યિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ પણ ટ્વિટ કરતાં કહ્યું કે, ભાજપની બંગાળમાં જે સુનામી ચાલી રહી છે, સરકાર બન્યા પછી આ દેશને એક ચૂંટણી રણનીતિકાર ગુમાવવો પડશે.ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ ભાજપ માટે પશ્ચિમ બંગાળની ચૂંટણી મહત્વની છે. આ કારણે જ ભાજપના દિગ્ગજ નેતાઓ બંગાળનો પ્રવાસ કરી રહ્યાં છે.

(3:30 pm IST)