Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કામમાં મન ન લાગે કે રાત્રીના નીંદ્રા ન આવે તો હરિનામ સંર્કિર્તન શ્રેષ્ઠ : પૂ.મોરારીબાપુ

શુકતાલ ભુમીમાં આયોજીત 'માનસ માલ્યવંત' ઓનલાઇન શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ,તા. ૨૧: 'સાધુ કર્મ એ જ છે કે જે માં કોઇ પણ દોષ ન જોવો જોઇએ' તેમ શુકતાલ શુકતીર્થ ભુમી ખાતે આયોજીત 'માનસ માલ્યવંત' ઓનલાઇન શ્રી રામકથાના ત્રીજા દિવસે પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, જ્યારે કોઇ કામમાં મન ન લાગે અથવા તો રાત્રીના નીંદ્રા ન આવે તો હરિનામ સંકિર્તન શ્રેષ્ઠ છે અને ભગવાનનું સ્મરણ કરવું જોઇએ.

 પૂ.મોરારીબાપુએ ગઇ કાલે શ્રીરામકથાના બીજા દિવસે કહ્યું કે માલ્યવંતની વાતમાં અતિ સચિવ શબ્દ આવ્યો.એ શ્રેષ્ઠ મંત્રી છે જ. પરમમંત્રી રહ્યો છે જ જ્યારે વિભિષણ રાવણને સમજાવે છે ત્યારે માલ્યવંત કહે છે કે તમારો ભાઇ-નીતિ જેનુ આભૂષણ છે. એની વાત સાંભળો, સમજો અને એ કહે એમ કરો. રાવણ ગુસ્સામાં આવી ગયો. અપમાન કર્યું. માલ્યવંત સભા છોડી જાય છે. પોતાના ઘરે જતો રહે છે. એનો મતલબ ભીતર જાઓ જ્યારે આપણી વાત કોઇ  ન સાંભળે-માને ત્યારે અંતર્યાત્રા કરવી. ભીતર જવું. વિભિષણ ગગનયાત્રા કરી ગયો. મતલબએ ગગન ગામી આકાશ ચિદાકાશયાત્રા કરે છે. અસુર કુળવાળા સાત વ્યકિતએ રાવણને સમજાવવાની કોશિશ કરી પણ સફળ ન થયા. સુરપક્ષે હનુમાન, અંગદ આદિએ પણ સમજાવ્યો.

બાપુએ વરસો પહેલાં એક અખબારમાં અતિ ગરીબીનો ફોટા જોયાની વાત કરતાં જણાવ્યું કે, મારા જીવંત ફુલો આ જોઇને દશાંશ અથવા ગમે તે રીતે મદદ કરી ગરીબો માટે કંઇક કરજો.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે સુખ અને દુઃખ સાપેક્ષ છે. પાપ અને પુણ્ય પણ સાપેક્ષ છે. વ્યકિત ખૂબ જ પુણ્ય કરે પણ પાણ તેમાં કયાંક રહી જાય છે. સુખની અંદર દુઃખ અને દુઃખમાં પણ કયાંક સુખ હોય છે. એક જ ઉપાય છે કા તો બન્નેને રાખવા અથવા બન્નેને ત્યજવા.

પૂૂ.મોરારીબાપુએ કહ્યું કે, આ ભૂમિની શાસ્ત્રોકતરૂપથી વિશેષતાઓ તો છે જ, અહીં ત્રણ નિર્વાણદાયી-નિર્વાણપ્રદ-મોક્ષપ્રદ  વસ્તુઓનું મિલન થયું છે. એક ગંગા પ્રવાહમાન તીર્થ છે. આ સ્થાવર નહીં. જંગમતીર્થ છે. જ્યાં ગતિશીલતા છે. પીટીપીટાઇ વાતો નથી. બીજુ અહીં ભાગવત સ્વયં સદ્ગંથ મોક્ષપ્રદ છે. મુકિતદાયક છે. પરિક્ષિતને કહેવાયું કે તુ ગંગાતટ પર બેસ. બુધ્ધપુરૂષ પ્રવાહનમાન હશે. ત્રીજા સ્વયં શુકદેવજી નિર્વાણરૂપ-મોક્ષદાયક છે. બાપુએ કહ્યું કે, આપણા જાણવા સમજવામાં ઘણી ઘટનાઓ છે જે મોક્ષદાયી હોય છે. જીવનમાં કોઇ યુ-ટર્ન પણ મુકિતદાતા બની જાય છે. ધર્મપુરૂષ તો ગ્લાનિ-પીડાથી ભરેલા હોય -ધર્મપીડા આપે છે. ધર્મક્ષેત્રમાં એ જ આવે જેમને પીડા જોઇએ છે. બાકી મોજ-મજા કરવા માટે અન્ય ક્ષેત્રો ઘણા છે.

(3:25 pm IST)