Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ખેડૂતોએ આપ્યુ અલ્ટીમેટમ

૨૪ કલાકમાં સમાધાન નહીં થાય તો બંધ કરશું દિલ્હી -મેરઠ એકસપ્રેસ વે

સાહિબાબાદ,તા. ૨૧: તમામ મુદ્દાના સમાધાન માટે ખેડૂતોએ રવિવારે સવારે સરકારને ૨૪ કલાકનો સમય આપ્યો હતો. જો સમસ્યાઓ કોઇ હલ નહીં નીકળે તો ખેડૂતોએ દિલ્હી -મેરઠ એકસપ્રેસ વે ને જામ કરવાની ચેતવણી આપી છે. યુપી ગેટ પર ખેડૂત નેતા વી.એમ.સિંહે પ્રશાસન અને પોલીસ સાથે એક કલાક વાતચીત કરી હતી. તેમણે ખેડૂતોના ઉત્પીડન, વાહનોને જબરદસ્તી જપ્ત કરવા અને ચલણ કાપવા સહિતના અન્ય મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આજે સવારે ૧૧ વાગ્યે મેરઠ મંડળ કમિશ્નર, ડીઆઇજી ડીએમ અને અન્ય અધિકારીઓને આના સમાધાન માટે આમંત્રિત કરાયા હતા.

સવારે લગભગ ૧૧ વાગ્યે યુપી ગેટ પર એડીએમ સીટી શૈલેન્દ્ર સિંહ, એસપીસીટી જ્ઞાનેન્દ્રસિંહ, સીએફઓ સુનીલકુમાર ખેડૂત નેતા સરદાર વી.એમ સિંહ, અને અન્ય ખેડૂતો સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. વી.એમ.સિંહે અધિકારીઓને કહ્યુ કે તમે બધા અહીંયા છો પણ તમે આને જેલ બનાવવા માંગો છો ? અહીં આવવાના બધા રસ્તાઓ બંધ કરી દેવાયા છે. તેમણે અધિકારીઓને કહ્યું કે જો તમારી પાસે ફોર્સ ઓછી પડતી હોય તો અમે તમને સ્વયંસેવકો આપશું.

તેમણે કહ્યું કે સંગઠનની કોઇ પણ વ્યકિત જો યુપી ગેટ આવતી હોય તો તેને કોઇ પણ જગ્યાએ રોકવામાં ન આવે. તેમણે કહ્યું કે ખેડૂતોને ગાઝીયાબાદની અંદર અને પાસેના મુરાદાબાદ, સંભલ, પીલીમીત, હાપુડ, મેરઠ, રામપુર વગેરે જગ્યાએથી અહીં આવતા રોકાય છે. પોલીસ ટોલ પ્લાઝા પર ઉભી રહીને ખેડૂતોને ટોપી અને ઝંડા જોઇને કારણ વિના રોકે છે. આ રીતે પોલીસ ખેડૂતોના પર દબાણ ઉભુ કરીને તેમણે પાછા બોલાવવા કરી રહી છે. જ્યારે યુપી ગેટ પર ઉભેલી ગાડીઓનું ચલણ કાપીને તેમને ઘરે મોકલાઇ રહ્યા છે.

(2:40 pm IST)