Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બ્રિટનમાં કોવિડ-૧૯ના નવા Strainથી દુનિયામાં મચી ગયો હડકંપ

અનેક દેશોએ ફલાઇટસ પર લગાવી રોક

બર્લિન, તા.૨૧: ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસનો નવો પ્રકાર (Strain) મળી આવતા માત્ર ત્યાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. યુરોપિયન યુનિયનના અનેક દેશોએ રવિવારે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકયો છે. પોતાના દેશમાં આ નવા સ્ટ્રેનથી કોઈ ખતરો ઉભો ન થાય તે હેતુસર આ પગલું લેવાયું છે. હજુ અનેક દેશો આવા પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છે.

ફ્રાન્સે રવિવારના રોજ મધરાતથી આગામી ૪૮ કલાક માટે બ્રિટનથી તમામ પ્રકારની મુસાફરી પર રોક લગાવી છે. જેના પર પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેરાત કરાઈ. કહેવાયું કે બ્રિટન જનારા લોકો પ્રભાવિત નહીં થાય એટલે કે લોકો ફ્રાન્સથી બ્રિટન જઈ શકશે પરંતુ આગામી ૪૮ કલાક સુધી બ્રિટનથી ફ્રાન્સ કોઈ મુસાફરી કરી શકશે નહીં.

ફ્રાન્સ બાદ જર્મનીએ પણ બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. ત્યાંની સરકારે કહ્યું છે કે તેઓ બ્રિટનથી આવનારી ઉડાણો પર રોક લગાવી રહ્યા છે. ફ્રાન્સ અને જર્મની બાદ નેધરલેન્ડે પણ આ વર્ષના અંત સુધી બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. બેલ્જિયમે પણ રવિવાર મધરાતથી બ્રિટનની રેલસેવાઓની અવરજવર બંધ કરી છે. બેલ્જિયમના પ્રધાનમંત્રી અલેકઝેન્ડર ડી ક્રુએ રવિવારે કહ્યું કે તેઓ શ્ન–ક્નઝ્ર સાવધાની' તરીકે અડધી રાતથી આગામી ૨૪ કલાક માટે બ્રિટનથી આવતી ઉડાણો પર રોક લગાવી રહ્યા છે.

ઓસ્ટ્રિયા અને ઈટાલીએ પણ કહ્યું કે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર રોક લગાવવામાં આવશે. જો કે તેમણે હજુ પણ તેના વિશે વધુ જાણકારી આપી નથી. ઈટાલીના વિદેશમંત્રી લુઈગી ડી માયોએ ટ્વિટર પર કહ્યું કે સરકાર કોરોના વાયરસના નવા પ્રકારથી ઈટાલીના નાગરિકોને બચાવવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. રવિવારે બ્રિટનથી લગભગ બે ડઝન જેટલી ફ્લાઈટ્સ ઈટાલી માટે રવાના થશે. જયારે ઝેક રિપબ્લિકે બ્રિટનથી આવતા લોકો માટે અલગથી રોકાવવાના નિયમો લાગુ કર્યા છે.

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો ભયંકર ખતરો સામે આવતા આખી દુનિયામાં હડકંપ મચ્યો છે. કોરોનાના નવા પ્રકારને લીધે બ્રિટનમાં સંક્રમણ વધ્યું છે. બ્રિટન સરકારે સ્થિતિ નિયંત્રણ બહાર હોવાની ચેતવણી આપી દીધી છે. બ્રિટને ૩૦ ડિસેમ્બર સુધી ટાયર-૪ લોકડાઉન લાગૂ કર્યું. ટાયર-૪ લોકડાઉનમાં બધુ જ બંધ રાખવામાં આવે છે જયારે લંડન-ઈસ્ટ ઈગ્લેન્ડમાં ૩૦ ડિસેમ્બર સુધી લોકડાઉન છે. કોરોનાના નવા ખતરાથી બ્રિટનમાં રેલ સેવાને પણ અસર થઈ છે.

આ નવા જોખમના પગલે બ્રિટનમાં તમામ લોકોને તેમના સ્થાનિક વિસ્તારમાં જ રહેવાની સૂચના અપાઈ છે. મહામારીને પગલે લંડનમાં ટાયર-૪ સ્તરનું લોકડાઉન લાગૂ કરાયેલુ છે. ટાયર-૧ પ્રતિબંધનું સૌથી નીચુ સ્તર ગણાય છે જયારે ટાયર-૪ સૌથી મોટું અને સખ્ત લોકડાઉન છે. બ્રિટનમાં લોકડાઉનના સમયમાં વધારો પણ થઈ શકે છે. જયા સુધી મોટા ભાગના લોકોને કોરોનાની રસી ન અપાય ત્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.

(12:43 pm IST)