Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

હવે કેરળ સરકાર પણ ખેડૂતોના સમર્થનમાં : વિધાનસભામાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ દરખાસ્ત લાવશે: બુધવારે વિશેષ સત્ર

ટૂંકા ગાળાનું વિધાનસભા સત્ર માત્ર કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા પૂરતું મર્યાદિત રહેશે

નવી દિલ્હી : કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાઓ સામે કેરળમાં પણ વિરોધ થયો છે,કૃષિ કાયદાઓ વિરુદ્ધ ઠરાવ પસાર કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં બુધવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીપીઆઈ (એમ)ના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.

કેબિનેટના નિર્ણયની પુષ્ટિ કરતા કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે જણાવ્યું હતું કે, "કેરળના મંત્રીમંડળે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા અને રદ કરવા માટે નિર્ધારિત બજેટ સત્ર પહેલા 23 ડિસેમ્બરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકાર સંઘર્ષ કરી રહેલા ખેડૂતો સાથે એકજૂથ થઈ રહી છે.

 મંત્રીમંડળ રાજ્યપાલને વિશેષ સભા બોલાવવાની ભલામણ કરશે. ટૂંકા ગાળાનું વિધાનસભા સત્ર માત્ર કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા પૂરતું મર્યાદિત રહેશે અને કેરળ વિધાનસભાનું સંપૂર્ણ બજેટ સત્ર 8 જાન્યુઆરીથી થશે.

(12:03 pm IST)